દિલ્હીની કોર્ટે મંગળવારે સોશિયલ મીડિયા પર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો કથિત બનાવટી વીડિયો પોસ્ટ કરવાના આરોપમાં ભાજપના નેતા સંબિત પાત્રા સામે એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આમ આદમી પાર્ટીએ આરોપ મૂક્યો હતો કે આ વીડિયો મારફત કેજરીવાલની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કેજરીવાલનો કથિત બનાવટી વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ જાન્યુઆરીમાં આમ આદમી પાર્ટીએ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ આપી હતી. પાર્ટીએ સંબિત પાત્રા સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. સંબિત પાત્રા ટીવીમાં દેખાતો ભાજપનો જાણીતો ચહેરો છે. સંબિત પાત્રાએ 30 જાન્યુઆરીએ કેજરીવાલનો આ વીડિયો ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં અરવિંદ કેજરીવાલ એક ઇન્ટરવ્યૂ આપતા દેખાય છે અને તેઓ નવા કૃષિ કાયદાની તરફેણ કરે છે. આ વીડિયોમાં કેજરીવાલ આ કૃષિ કાયદાને 70 વર્ષમાં લેવામાં આવેલું કાંતિક્રારી પગલું દર્શાવે છે.
જોકે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ આ અંગેનો પૂરો વીડિયો ટ્વીટ કરીને પંજાબના તે સમયના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ પર હુમલો કર્યો હતો. સિસોદિયાએ જણાવ્યું હતું કે ” વાહ, કેપ્ટન સાહેબ, અત્યાર સુધી ભાજપના આદેશ માનતા હતા, હવે તેમને આપેલો બનાવટી વીડિયો પણ ચલાવવા લાગ્યા. આ કોંગ્રેસ-ભાજપના બનાવટી વીડિયોનું સત્ય છે.”