Mulayam Singh Yadav passes away
(ANI Photo/Sansad TV)

સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવનું સોમવાર, 10 ઓક્ટોબરે લાંબી બિમારી બાદ અવસાન થયું હતું. તેમની ઉંમર 82 વર્ષની હતી. સવારે 8.30 વાગ્યે તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 22 ઓગસ્ટે તેમને મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર મુલાયમના નિધનની જાણકારી આપી હતી. મુલાયમના અંતિમ સંસ્કાર મંગળવારે સૈફઈમાં કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય નેતાઓએ મુલાયમસિંહના નિધન પર શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. મોદીએ મુલાયમ સિંહ સાથેની સંખ્યાબંધ તસવીરો શેર કરીને ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપતાા જણાવ્યું હતું કે મુલાયમ સિંહ જમીન સાથે જોડાયેલા નેતા હતા, જેઓ લોકોની મુશ્કેલીઓને સમજતા હતા. તેમણે પોતાનું જીવન લોકનાયક જયપ્રકાશ અને ડો.લોહિયાના વિચારોને સમર્પિત કરી દીધું. તેઓ ઈમર્જન્સી દરમિયાન લોકશાહીના મહત્વપૂર્ણ સૈનિક હતા. સંરક્ષણ પ્રધાન તરીકે તેમણે મજબૂત ભારત માટે કામ કર્યું હતુ.

મુલાયમસિંહ યાદવ ત્રણ વખત યુપીના મુખ્યપ્રધાન બન્યા હતા. તેઓ 1996માં એચડી દેવગૌડાની સંયુક્ત ગઠબંધનવાળી સરકારમાં સંરક્ષણ પ્રધાન તરીકે કામ કર્યુ હતુ.

રાજકારણ વર્તુળો અને યુપીના લોકોમાં નેતાજી તરીકે ઓળખાતા મુલાયમસિંહ યાદવે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી હતી અને ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને ટક્કર આપી હતી. તેઓ લોકસભામાં મૈનપુરી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ વર્ષે જુલાઈ મહિનામાં તેમના પત્ની સાધના ગુપ્તાનું નિધન થયુ હતુ. સાધના ગુપ્તા મુલાયમ સિંહના બીજા પત્ની હતા. તેઓના પહેલા પત્ની માલતી દેવીનું 2003માં નિધન થયુ હતુ. અખિલેશ યાદવ માલતી દેવીના પુત્ર છે.

12 નવેમ્બર 1939ના રોજ ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લાના સૈફઈમાં મુલાયમસિંહ યાદવનો જન્મ થયો હતો. લગભગ છ દાયકાઓ સુધી તેઓ સક્રિય રાજકારણમાં રહ્યા હતા. સંસદના સભ્ય તરીકે પણ 11, 12, 13 અને પંદરમી લોકસભાના સભ્ય હતા. મુલાયમસિંહ યાદવ 1967, 1974, 1977, 1985, 1989, 1991, 1993 અને 1996માં કુલ આઠ વાર વિધાનસભાના સભ્ય બન્યા હતા.

LEAVE A REPLY