ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા માટે સક્રિય થઇ છે. ગુજરાત પોલીસે રવિવારે સલૂન અને બ્યુટી પાર્લરના સંચાલકો માટે ગાઇડલાઇન જાહેર કરીને તેનો અમલ શરૂ કરવા માટે તાકીદ કરી છે.
સરકારની ગાઇડલાઇન મુજબ સલૂન-પાર્લરમાં કામ કરતા કર્મચારીઓને કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા હોવા જરૂરી છે. તેમજ ગ્રાહકાએ વેક્સીનના બે ડોઝ લીધા હોવા જોઇએ. એટલુ જ નહી 50 ટકા ક્ષમતા સાથે જ ગ્રાહકોને પ્રવેશ આપવાનો રહેશે. કર્મચારીઓને માસ્ક અને હેન્ડ ગ્લોઝ ફરજિયાત પહેરવાના રહેશે. તેમજ સેનીટાઇઝેશનની કામગીરી પણ નિયમિત રીતે થવી જરૂરી છે. આ ઉપરાંત, ગૃહ વિભાગે પોલીસને સુચના આપી છે કે માસ્ક નહી પહેરનારાઓ સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવે. મલ્ટીપ્લેક્સમાં 50 ટકાની ક્ષમતાથી પ્રેક્ષકોને લાવવા માટેનો પણ આદેશ કરાયો છે.
આરોગ્ય વિભાગના મતે, તા,26મી ડિસેમ્બરે ગુજરાતમાં કોરોનાના કેસોનો કુલ આંક 837 હતો તે તા.2જી જાન્યુઆરીએ વધીને છેક 3,927 સુધી પહોંચ્યો હતો એટલે કે 369 ટકાનો વધારો થયો હતો.
આ જ પ્રમાણે, અમદાવાદમાં ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં માત્ર 271 કેસો હતાં તે 2જી જાન્યુઆરીએ વધીને 1903 કેસો થયા હતાં. માત્ર સાત દિવસમાં કુલ કેસોમાં 1632 કેસોનો વધારો થયો હતો. એક જ અઠવાડિયામાં અમદાવાદમાં આખાય રાજ્યમાં સૌથી વધુ 602 ટકાનો ચિંતાજનક વધારો થયો હતો.