બોલિવૂડ એક્ટર સલમાન ખાન કુખ્યાત લોરેન્સ બિશ્વોઇ ગેંગના ટાર્ગેટ લિસ્ટમાં હતો. પંજાબી સિંગર સિધુ મૂસેવાલા હત્યાના આરોપી કપિલ પંડિતની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે લોરેન્સ બિશ્વોઇ ગેંગે સલમાન ખાનની હત્યા માટે કપિલ પંડિતનો સંપર્ક કર્યો હતો. આ સંપર્ક સંપત નહેરા અને કેનેડા સ્થિત ભાગેડુ ગોલ્ડી બ્રાર મારફત કરવામાં આવ્યો હતો, એમ પંજાબના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે રવિવારે જણાવ્યું હતું.
સંતોષ જાધવ અને સચિન થપન પણ સલમાન ખાનને ટાર્ગેટ કરવા માટેના મોડ્યુલ હતા. મૂસેવાલા હત્યા કેસમાં સંતોષ જાધવની મહારાષ્ટ્રમાં ધરપકડ થઈ છે, જ્યારે સચિન તપનને આઝરબૈઝાનમાં અટકાયતમાં લેવાયો છે.પંજાબના માન્સા જિલ્લામાં 29 મેએ મૂસેવાલાની હત્યાના થોડા દિવસોમાં સલમાન સખાનને મોતની ધમકી મળી હતી.
ડીજીપીએ જણાવ્યું હતું કે તેમણે વિગતવાર રેકી કરી હતી અને મુંબઈમાં ઘણો સમય પસાર કર્યો હતો. અમે તપાસમાં આ એંગલની પણ પુષ્ટી કરીશું. સલમાનને ટાર્ગેટ બનાવાયો હોવાની માહિતી પ્રાથમિક તપાસ આધારિત છે અને તપાસમાં સંકલન બાકી છે. અમે મુંબઈમાં ટીમ પણ મોકલી શકીએ છીએ.