કોરોના સામે રક્ષણ મેળવવા માટે વિશ્વભરમાં રસીકરણને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ વ્યાપક રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. હવે આ કામમાં સલમાન ખાનની એન્ટ્રી થઈ છે. તેણે લોકોને આ રસી લેવા માટે અપીલ કરી છે. કોરોનાની સામેની લડાઈમાં વેક્સીનેશન જ ઉપાય છે ત્યારે હજી પણ ઘણા લોકો રસી લેવા તૈયાર નથી. આ સ્થિતિમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને રસીકરણ અભિયાનમાં સલમાન ખાનને સામેલ કર્યો છે.
સલમાન હવે લોકોને રસી લેવા માટે અને તેની ખોટી માહિતી દુર કરવા માટે અપીલ કરી રહ્યો છે. કોર્પોરેશનના ટ્વિટર હેન્ડલ પર સલમાનનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં સલમાન લોકોને રસીનો પ્રથમ ડોઝ લેવા માટે આગ્રહ કરી રહ્યો છે. સાથે તેણે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરવા માટે, વાંરવાર હાથ ધોવા માટે અને વાઇરસથી બચવા માટે માસ્ક પહેરવા માટે પણ અપીલ કરી છે. તેણે અપીલ કરી છે કે, વેક્સીન અંગે સોશિયલ મીડિયા પર જે બોગસ વાતો ફેલાઈ રહી છે તેના પર વિશ્વાસ ના કરે. આ અભિયાનમાં સહકાર આપવા બદલ કોર્પોરેશને સલમાનનો આભાર માન્યો છે.
બીજી તરફ સલમાને કોરોનાકાળમાં બેરોજગાર થઇ ગયેલા બોલીવૂડ વર્કર્સોને મદદ કરી છે. તેણે અગાઉ આપેલા વચન મુજબ જુદા જુદા વિભાગોમાં કામ કરનારા વર્કર્સોના ખાતામાં રૂ. 1500 જમા કરાવ્યા છે. આ અંગે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પોલઇઝના ચેરમેન બી. એન. તિવારીએ આ માહિતી આપી હતી. સલમાને તાજેતરમાં જ ફ્રન્ટલાઇન વર્કર્સને ફૂડ પેકેટ વહેંચ્યા હતા. તેણે અગાઉ પણ ડેઇલી વર્કર્સના ખાતામાં રૂ. ત્રણ હજાર જમા કરાવ્યા હતા. અન્ય સંસ્થાઓ તથા વિવિધ પ્રોડકશન હાઉસમાંથી પણ મદદ કરવામાં આવી હતી.