ધમકીભર્યા પત્રના કેસમાં મુંબઈ પોલીસે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનનું નિવેદન લીધું છે. અગાઉ સલમાન ખાન અને તેના પિતા સલીમખાનને જાનથી મારી નાંખવાનો એક પત્ર મળ્યો હતો અને પોલીસે કેસ નોંધીને તેની તપાસ ચાલુ કરી હતી.
અગાઉ પોલીસે સલમાન ખાનના પિતા સલીમ ખાનનું નિવેદન નોંધ્યું હતું. આ ધમકીભર્યા પત્ર બાદ પોલીસે અભિનેતાના મુંબઈના બાંદ્રા ખાતેના નિવાસસ્થાને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ પત્રમાં ધમકી આપવામાં આવી હતી કે સલીમ ખાન, સલમાન ખાન તમારી પણ ટૂંકસમયમાં મુસેવાલા જેવી હાલત થશે. અહીં ઉલ્લેખનીય છે કે પંજાબ સિંગર સિદ્ધુ મૂસેવાલની ગયા મહિને પંજાબમાં અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કરીને હત્યા કરી હતી.
કોઇ અજાણ્યો વ્યક્તિ બાંદ્રા બેન્ડસ્ટેન્ડની એક બેન્ચ પર આ ધમકીભર્યો પત્ર મૂકીને જતો રહ્યો હતો. આ પત્ર સલીમ ખાનના ગાર્ડને તે જગ્યાએથી મળ્યો હતો જ્યાં સલીમ મોર્નિંગ વોક પછી બેસવા જાય છે. મુંબઈની બાંદ્રા પોલીસે ભારતીય દંડ સંહિત (આઇપીસી)ની કલમ 506-II (ગુનાહિત ધાકમકી) હેઠળ આ મામલે FIR નોંધી છે.