જાણીતા લેખક સલમાન રશ્દીને પેન સેન્ટેનરી કરેજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મુંબઈમાં જન્મેલા લેખક ગત વર્ષે અહીં એક સાહિત્યિક કાર્યક્રમમાં ચાકૂના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા પછી પ્રથમવાર વ્યક્તિગત રીતે જાહેરમાં જોવા મળ્યા હતા.
75 વર્ષીય રશ્દી ગુરુવારે રાત્રે મેનહટ્ટનમાં અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી ખાતે યોજાયેલા એક સાહિત્યિક સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. પેન અમેરિકાએ તેના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ રશ્દીનું સન્માન કર્યું હતું, તેમણે આ એવોર્ડ ત્યાં હાજર રહીને સ્વીકાર્યો ત્યારે ત્યાં ઉપસ્થિત સહુએ તેમનું ઊભા થઇને અભિવાદન કર્યું હતું. આ નિમિત્તે રશ્દીએ જણાવ્યું હતું કે, “અહીં પરત આવીને સારું લાગે છે. પેન અમેરિકા સાથે લાંબા સમયથી મારો સંબંધ છે. મને લેખકો અને પુસ્તક વચ્ચે પરત આવવાની ખુશી છે.”
ન્યૂજર્સીના 24 વર્ષીય રહેવાસી હાદી માતર તરીકે ઓળખાયેલા એક શખ્સે રશ્દી પર ચાકૂથી હુમલો કર્યો હતો, જે લેબનીઝ મૂળના યુએસ નાગરિક છે. ગત વર્ષે ઓગસ્ટમાં વેસ્ટર્ન ન્યૂયોર્કમાં ચૌટૌકા ઇન્સ્ટિટ્યૂશનમાં એક સાહિત્યિક કાર્યક્રમના સ્ટેજ પર જ્યારે તેની ઓળખ કરાવવામાં આવી રહી ત્યારે તેણે આ હુમલો કર્યો હતો. આ ક્રૂર હુમલામાં બૂકર પ્રાઈઝ વિજેતા લેખક, મુંબઈમાં એક કાશ્મીરી પરિવારમાં જન્મેલા રશ્દીને એક આંખમાં દૃષ્ટિ ગુમાવવી પડી હતી.
ગાલામાં 700 મહેમાનોને સંબોધતા રશ્દીએ જણાવ્યું હતું કે, “ત્રાસવાદે આપણને આતંકિત ન બનાવવો જોઈએ. હિંસાથી આપણે ડરવું જોઇએ નહીં. સંઘર્ષ ચાલુ રહે છે.” પેન અમેરિકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રશ્દી માટે આ મંચ પર પરત આવવું તે એક ભાવનાત્મક બાબત છે, તેઓ દસકાઓથી પીડિત લેખકો અને લખવાની સ્વતંત્રતાનો અથાગ બચાવ કરી રહ્યા છે. તેઓ પોતે તેમના લેખન માટે મોતના જોખમ સાથે જીવે છે.