બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ મહારાષ્ટ્રના ગૃહ વિભાગે સોમવારે તેમની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી હતી. મુંબઈ પોલીસે પોલીસે આવા ધમકીભર્યા પત્ર બાદ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી અને તેની તપાસ ચાલુ કરી હતી.
સલમાન ખાન તથા સલીમ ખાનને 5 જૂને પત્ર મળ્યો હતો. પોલીસ મુંબઈ સ્થિત સલમાનના ઘર ગેલેક્સ એપાર્ટમેન્ટ આવી હતી અને વધુ તપાસ કરી હતી. પોલીસે CCTV ફુટેજ પણ ચેક કર્યા હતા. મીડિયા રીપોર્ટ મુજબ સલીમખાન મોર્નિંગ વોક માટે ગયા ત્યારે તેમના ગાર્ડને આ પત્ર મળ્યો હતો. સલીમખાન જે જગ્યાએ દરરોજ બેસે છે ત્યાં આ પત્ર પડેલો હતો. પત્રમાં સલમાન તથા સલીમ ખાનને ધમકી આપવામાં આવી હતી કે તેમની હાલત પણ પંજાબના લોકપ્રિય સિંગર સિદ્ધુ મૂસેવાલા જેવી કરવામાં આવશે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની તાજેતરમાં હત્યા થઈ હતી.