ભારતીય ટેલિવિઝનનો સૌથી મોટો રિયાલિટી શો ‘બિગ બોસ’ની 15મી સીઝનની તૈયારી થઇ રહી છે. વર્તમાન પરિસ્થિતિને કારણે પ્રથમવાર આ શોને ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કહેવાય છે કે, બિગ બોસના નિર્માતાઓએ આ શોના સંચાલક તરીકે સલમાન ખાનનું પત્તું કાપી નાખ્યું છે અને હોસ્ટ તરીકે કરણ જોહરની પસંદગી કરી છે.
કરણ જોહરે પણ આ શોને લઇને જણાવ્યું છે કે, તે બિગ બોસ 15ને ઓટીટી પર હોસ્ટ કરશે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, કરણે જણાવ્યું હતું કે, હું અને મારા માતા બિગ બોસના પ્રશંસકો છીએ. અમે એક એપિસોડ જોવાનું ચુકતા નથી. હવે હું સ્વયં આ શોનો હોસ્ટ બની રહ્યો છું. મને આશા અને વિશ્વાસ છે કે, હું આ શોનો સફળ સંચાલક કહેવાઇશ. હું પોતાને ટેલિવિઝન પર જોવા આતુર છું. એક દર્શક તરીકે તેના ડ્રામા મને ખૂબ મનોરંજન આપે છે. ‘બિગ બૉસ ઓટીટી’માં સેન્સેશનલ અને ડ્રામૅટિક કન્ટેન્ટ રહેશે. આશા છે કે હું મારા દર્શકો અને ફ્રેન્ડ્સની આશા પર ખરો ઊતરીશ. સ્પર્ધકો સાથે વીક-એન્ડ કા વારને હું મારી સ્ટાઇલમાં માણવાલાયક બનાવીશ. મનોરંજનની દૃષ્ટિએ તો સર્વ લોકો એને ખૂબ જ એન્જૉય કરશે. તમે રાહ જુઓ.
બિગ બોસની 15મી સીઝન માટે સલમાન ખાને વાત કરતાં કહ્યું હતું કે, બિગ બોસની આ સીઝન ઓટીટી પર પ્રસારિત થઇ રહી છે. આ મંચ પર ઘણી વિવિધતાઓ જોવા મળશે. જેમાં દર્શકોને ફક્ત મનોરંજન નહીં પરંતુ આ શોમાં ભાગ પણ લઇ શકશે અને આ શો સાથે વ્યસ્ત રહી શકશે. દરેક સ્પર્ધકને મારી સલાહ છે કે, એકટિવ અને મનોરંજક રહે. આ વખતે આ રિયલિટી શો ટીવી પર આવતાં પહેલાં વૂટ પર 8 ઓગસ્ટે શરૂ થશે. આ શો છ અઠવાડિયાં ચાલશે. આ શોને પહેલાં શેહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા હોસ્ટ કરશે એવી ચર્ચા હતી.