1970ના દાયકામાં ભારતમાં એક-એકથી ચડિયાતી હિન્દી ફિલ્મો બની હતી, તેના કથાનક પણ એટલા જ આકર્ષક હતા. આ ફિલ્મના કથાનક લખનાર સુપરહિટ લેખકોની જોડી સલીમખાન અને જાવેદ અખ્તરની હતી. હવે આ જોડી પર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે.
સલીમ અને જાવેદના સંતાનો- સલમાન, ફરહાન અને ઝોયા અખ્તર આ ફિલ્મનું નિર્માણ કરશે. આ ડોક્યુમેન્ટરીનું નામ એન્ગ્રી યંગ મેન છે, જેનું દિગ્દર્શન નમ્રતા રાવ કરશે. આ ફિલ્મમાં બન્ને લેખકોની સ્ટોરી દર્શાવાશે જેમણે હિન્દી ફિલ્મોને નવી ઓળખ આપી હતી. આ મહાન જોડીએ શોલે, ઝંઝીર, ક્રાંતિ, સીતા ઔર ગીતા, યાદોં કી બારાત, મજબૂર, હાથકી સફાઇ, દીવાર, ત્રિશુલ, કાલા પત્થર, દોસ્તાના, શાન, મિસ્ટર ઇન્ડિયા જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. અમિતાભ બચ્ચનને એન્ગ્રી મેન તરીકે પડદા પર રજૂ કરવાનો અને સુપરસ્ટાર બનાવાનો શ્રેય સલીમ-જાવેદને જાય છે. તેમણે એન્ગ્રી યંગ મેનની થીમ પર ફિલ્મો લખી હતી તેથી જ કદાચ ડોક્યુમેન્ટ્રીનું શીર્ષક આ વિષય પરથી આપવામાં આવ્યું છે.