કર્ણાટકના તમામ મંદિરોમાં “સલામ આરતી” હવે “સંધ્યા આરતી” તરીકે ઓળખાશે. હિંદુ મંદિરોની દેખરેખ કરતી રાજ્યની સર્વોચ્ચ સંસ્થાએ ટીપુ સુલતાનના સમયથી ચાલી આવતા ફારસી નામને બદલીને સંસ્કૃત નામ રાખવાની એક દરખાસ્તને મંજૂરી આપી છે. નામ બદલવાની આ દરખાસ્ત છ મહિના પહેલા થઈ હતી અને તેને શનિવારે મંજૂરી આપવામાં આવી હતી.
સલામ શબ્દ આપણો નથી તેનો ઉલ્લેખ કરતાં અગાઉ રાજ્ય ધાર્મિક પરિષદના સભ્ય અને વિદ્વાન કશેકોડી સૂર્યનારાયણ ભટ કહ્યું હતું કે આ નામો ટીપુના શાસનકાળ દરમિયાન હિન્દુ મંદિરો પર લાદવામાં આવ્યા હતા. હૈદર અલી અને તેના પુત્ર ટીપુના શાસનકાળથી મેલકોટ મંદિર દરરોજ સાંજે 7 વાગે “સલામ આરતી”નું આયોજન કરતું હતું.
આ નિર્ણય બાદ કર્ણાટકના પ્રધાન શશિકલા જોલેએ જણાવ્યું હતું કે સીએમ બસવરાજ બોમાઇની અંતિમ મંજૂરી મેળવ્યા બાદ રાજ્યની હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ વિભાગ (મુઝરાઈ) ટૂંક સમયમાં માત્ર મેલકોટમાં જ નહીં, પરંતુ કર્ણાટકના તમામ મંદિરોમાં “આરતી” સેવાઓનું નામ બદલવાનો સત્તાવાર આદેશ જારી કરશે.
પ્રધાને જણાવ્યું હતું કે “આ પર્શિયન નામો બદલવા તથા મંગળા આરતી નમસ્કાર અથવા આરતી નમસ્કાર જેવા પરંપરાગત સંસ્કૃત નામો જાળવી રાખવાની દરખાસ્તો અને માંગણીઓ હતી. ઈતિહાસ પર નજર કરીએ તો જણાય છે કે અગાઉ જે પરંપરા હતી તેને અમે પાછી લાવી રહ્યાં છીએ.