બોરિસ જ્હોન્સને પોતાની કેબિનેટમાં ગયા સપ્તાહે ફેરફારો કરી અનેક સિનિયર મિનિસ્ટર્સને પડતા મુક્યા હતા, તો કેટલીક શરતો સ્વિકાર્ય નહીં હોવાનું જણાવી ચાન્સેલર (નાણાં પ્રધાન) ચાન્સેલર સાજિદ જાવિદે રાજીનામુ આપી દીધુ છે અને તેમને સ્થાને ભારતીય બ્રિટિશર ઋિષ સૂનકની વરણી નવા ચાન્સેલર તરીકે કરવામાં આવી છે. બોરીસ જ્હોન્સને પોતાની કેબિનેટમાંથી નોર્ધર્ન આયર્લેન્ડના સેક્રેટરી જુલિયન સ્મિથ, બિઝનેસ સેક્રેટરી એન્ડ્રીયા લીડ્સમ, હાઉસિંગ મિનિસ્ટર એસ્થર મેકવી, એન્વાયર્નમેન્ટ સેક્રેટરી થેરેસા વિલિયર્સ, એજ્યુકેશન મિનિસ્ટર ક્રિસ સ્કીડમોર, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નુસરત ગની અને જ્યોર્જ ફ્રીમેનને પડતા મુક્યા હતા. એટર્ની જનરલ જ્યોફ્રી કોક્સે રાજીનામું આપી દીધું હતું.
ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, કેબિનેટ ઑફિસ મિનિસ્ટર માઇકલ ગોવ અને હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક જેવા વરિષ્ઠ નેતાઓએ પોતાનુ સ્થાન જાળવી રાખ્યુ છે. નવી વરણીમાં લિઝ ટ્રસ ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી અને મિનિસ્ટર ફોર વિમેન એન્ડ ઇક્વાલિટી તરીકે રહેશે.
ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી આલોક શર્માને બિઝનેસ સેક્રેટરી બનાવાયા છે અને તેઓ ગ્લાસગોમાં યોજાનારી આગામી ક્લાયમેટ કોન્ફરન્સ સીઓપી26 માટે મિનિસ્ટર બનાવાયા છે. જુનિયર ડીફેન્સ સેક્રેટરી એની-મેરી ટ્રેવેલીનને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી બનાવાયા છે. બોરિસ જ્હોન્સન એચએસ2 રેલ્વે લાઇનના નિર્માણની દેખરેખ માટે નવા પ્રધાનની નિમણૂક કરે તેવી ધારણા છે.
સુએલા બ્રેવરમેન અને ગિલિયન કીગન સહિત સરકારમાં સંખ્યાબંધ મહિલા સાંસદોની વરણી મિનિસ્ટર તરીકે કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ચાન્સેલર સાજિદ જાવિદને તેમના બધા સ્પેશ્યલ સલાહકારોને કાઢી મૂકવાનુ અને તેમને સ્થાને અને નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટના સલાહકારના આદેશ મુજબના લોકોને મૂકવાનુ કહ્યું હતું. તેના વિરોધમાં તેમણે રાજનામુ આપ્યુ હતુ. જાવિદે તેમની સહાયકોની ટીમને કાઢી મૂકવાના આદેશનો અસ્વિકાર કરતાં કહ્યું હતું “કોઈપણ સ્વાભિમાની પ્રધાન” આવી સ્થિતિ સ્વીકારી શકે નહીં. તેમને સ્થાને ચાન્સેલર બનાવવામાં આવેલા ટ્રેઝરીના ચિફ સેક્રેટરી ઋષિ સુનક હજુ સાત મહિના પહેલા જ જુનિયર હાઉસિંગ મિનિસ્ટર હતા.
જાવિદ ચાર અઠવાડિયા પછી પોતાનું પહેલું બજેટ આપવાના હતા ત્યારે તેમનુ રાજીનામુ ઘણુ બધુ કહી જાય છે. તેમનું રાજીનામું જાવિદ અને વડા પ્રધાનના વરિષ્ઠ સલાહકાર ડોમિનિક કમિંગ્સ વચ્ચેના તણાવની વાતો સાથે સંકળાયેલુ છે. જુલાઇમાં વડા પ્રધાન બન્યા પછી જ્હોન્સને ભૂતપૂર્વ હોમ સેક્રેટરી જાવિદને ચાન્સેલર તરીકે બઢતી આપી હતી.
ઋષિ સુનક માર્ચમાં તેમનું પહેલું બજેટ આપવાના છે. બીબીસીના જણાવ્યા મુજબ હવે નંબર 10 અને 11ના વિશેષ સલાહકારોની નવી સંયુક્ત ટીમ સાથે રહીને કાર્ય કરશે. વડા પ્રધાન તેમની ટોચની ટીમમાં ફેરબદલ કરતા હોવાથી અપેક્ષા હતી કે જાવિદ તેમની સાથે રહેશે.
સરકારના સૌથી વરિષ્ઠ એટર્ની જનરલ તરીકે રાજીનામુ આપતા કોક્સે જણાવ્યું હતું કે “મને તાજેતરના તોફાની રાજકીય સમય દરમિયાન એટર્ની જનરલ તરીકે સેવા આપવાનો ખરેખર લહાવો મળ્યો છે. મને વડા પ્રધાને રાજીનામું આપવાનું કહ્યું હતું.’’ નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી તરીકે 204 દિવસ સેવા આપનારા સ્મિથના ખૂબજ વખાણ કરાયા હતાં.
ડિસેમ્બરમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો નિર્ણાયક ચૂંટણીમાં વિજય થયા પછી વડાપ્રધાને પોતાના પ્રધાનમંડળમાં મોટાપાયે ફેરફાર કરવાનુ ટાળ્યુ હતુ. 31 જાન્યુઆરીએ યુકેએ યુરોપિયન યુનિયન છોડ્યા બાદ લાગતુ હતુ કે વડાપ્રધાન હવે નોંધપાત્ર ફેરબદલ કરશે. તેઓ જુનિયર મિનિસ્ટર્સમાં પણ પરિવર્તન કરે તેવી અપેક્ષા છે અને મહિલા પ્રતિભાને પ્રોત્સાહન આપી રેશિયો 50/50નો કરશે એમ જણાય છે.
ડાઉનિંગ સ્ટ્રીટમાં આવેલા નંબર ટેન એટલે કે વડાપ્રધાનની કચેરી અને નંબર ઇલેવન એટલે કે ચાન્સેલરની ઓફિસ વચ્ચેના સંબંધો કોઈપણ સરકારમાં મહત્વપૂર્ણ હોય છે. સરકારમાં નંબર બેની પોઝીશન ધરાવતા સાજીદ જાવિદ અને વડાપ્રધાન બોરિસ જ્હોન્સન વચ્ચે વ્યક્તિગત રીતે સંબંધ બરોબર છે, પરંતુ તેમની વિશાળ ટીમો વચ્ચે ઘણુ ઘર્ષણ છે, જેને પગલે જાવિદે રાજીનામુ આપવાનુ નક્કી કર્યુ હતુ.