કોરોનાવાઇરસ પ્રતિબંધ હોવા છતાં ડીપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોસ્યલ કેર વિભાગમાં સહાયક તરીકે કામ કરતા નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જીના કોલાડાન્જેલોને ચુંબન કરતો વીડિયો ફૂટેજ બહાર આવ્યા પછી મેટ હેનકોકે હેલ્થ સેક્રેટરી તરીકે રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. રાજીનામાના બે કલાકથી ઓછા સમયમાં જ ભૂતપૂર્વ ચાન્સેલર અને હોમ સેક્રેટરી સાજિદ જાવિદની હેલ્થ સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની DHSC ભૂમિકા પરથી જીનાએ પણ રાજીનામું પણ આપી દીધું છે.
ટોરી સાંસદો, મંત્રીઓ અને ગ્રાસરૂટ્સ કન્ઝર્વેટિવ્સે બોરીસ જોન્સન સામે હેનકોકના સંબંધો અંગે મોરચો માંડી હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકને સરકારમાંથી બરતરફ કરવાની માંગ કર્યા બાદ મેટ હેનકોકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોન્સન સાથે એક વખતે તોફાની સંબંધ હોવા છતાં, શ્રી જાવિદ શનિવારે સાંજે 6 વાગ્યે રાજીનામું આપનાર શ્રી હેનકોકના ઇમરજન્સી રિપ્લેસમેન્ટ તરીકે પ્રધાનમંત્રીના મંત્રીમંડળમાં પાછા ફરવાનું સ્વીકાર્યું હતું તે તાજ્જુબની વાત છે.
શ્રી જાવિદે વડા પ્રધાન બોરીસ જોન્સન સાથે 2020માં મતભેદ થયા બાદ ગત ફેબ્રુઆરી માસમાં ચાન્સેલર તરીકે રાજીનામું આપ્યું હતું. તે સમયે તેમના ડેપ્યુટી ઋષિ સુનકની વરણી ચાન્સેલર તરીકે કરવામાં આવી હતી. જોન્સને તેમની આખી ટીમને 2019માં હાંકી કાઢવાનો પ્રયાસ કર્યા પછી જાવિદે રાજીનામું આપ્યું હતું.
સરકારી કચેરીની અંદરના વિડીયો ફૂટેજ કેવી રીતે બહાર આવ્યા તેની ડીપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોશ્યલ કેર દ્વારા તપાસ કરાશે એવી સરકારે જાહેરાત કરી હતી. હેનકોકની પહેલાની ઓફિસમાં સ્મોક અલાર્મની અંદર કેમેરાની હાજરી પાછળના કારણો અને તેમાંથી મળેલા ફૂટેજને પગલે સલામતીની ચિંતા અંગે સવાલો ઉભા થયા બાદ તપાસ કરવા માંગણી થઇ રહી હતી.
ચુંબન કરતી તસવીરો પ્રકાશિત કરનાર ‘સન’ અખબારે આ તસવીરો સંબંધિત વ્હાઇટહોલ સ્થિત વ્હિસલ બ્લોઅર દ્વારા અપાઇ હોવાનો દાવો કર્યો હતો.
હેનકોકે શુક્રવારે તેમના ડોમેસ્ટીક બબલની બહારની કોઈ પણ વ્યક્તિ સાથે સામાજિક અંતરના નિયમોને તોડવા બદલ માફી માગી હતી. વડા પ્રધાન બોરીસ જોન્સને તે માફી સ્વીકારીને તેમને કેબિનેટ પ્રધાન પદે ચાલુ રહેવા સમર્થન આપ્યું હતું. પરંતુ વિપક્ષ જ નહીં પરંતુ તેમના પોતાના કન્ઝર્વેટિવ પાર્ટીના સાથીદારોએ પણ તેમણે કરેલા કૃત્ય વિરુદ્ધ બોલવાનું શરૂ કરી તેમણે લોકડાઉનના નિયમોમાં લોકોના વિશ્વાસને નબળો પાડ્યો હોવાનું જણાવ્યું હતું.
હેનકોકે 26 જૂનના શનિવારે રાજીનામું આપી જોન્સનને બેકબેંચ ટોરી એમપી તરીકે સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર, નજીકની મિત્ર અને સહાયક જીના સાથેના અફેરના સમાચારો શુક્રવારે અખબારોની હેડલાઇન્સ બનશે તે તે જાણ્યા પછી હેનકોકે ગુરૂવારે રાત્રે આ બધાથી અજાણ એવી તેમની પત્ની માર્થાને કહ્યું હતું કે તે તેણીને છોડી રહ્યા છે અને માર્થા સાથેના પોતાના 15 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો હતો.
હેનકોક અને જીનાને તેમના જીવનસાથી થકી ત્રણ-ત્રણ બાળકો છે. માનવામાં આવે છે કે તેઓ પોતાના સંબંધિત જીવનસાથીથી અલગ થઈ નવું જીવન શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છે.
સાજીદ જાવિદે કોવિડ રોગચાળા સામેની લડતમાં અત્યાર સુધીમાં જેટલી સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ તેમના પુરોગામી હેનકોકની પ્રશંસા કરી હતી.
આ અગાઉ યુકે કેબિનેટમાં હોમ સેક્રેટરી અને ચાન્સેલર તરીકે વરિષ્ઠ હોદ્દાઓ સંભાળી ચૂકેલા પાકિસ્તાની મૂળના કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ સાજીદ જાવિદે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અચાનક જ ચાન્સેલર તરીકે તેમના પ્રથમ બજેટના એક મહિના પહેલા રાજીનામુ આપી દીધું હતું. તે સમયે તેમને જોન્સનના નજીકના સહાયક, ડોમિનિક કમિંગ્સ સાથે વડા પ્રધાન અને ચાન્સેલરની – નંબર 10 અને નંબર 11 ડાઉનિંગ સ્ટ્રીટની કચેરીઓને એક કરી દેવાની યોજના અંગે ઘર્ષણ થયું હતું. તે સમયે વડા પ્રધાને તેમને આદેશ આપ્યો હતો કે તેઓ નજીકના સાથીદારોને નોકરીમાંથી કાઢી નાંખે અને જો તેઓ પદ પર રહેવા માંગતા હોય તો નંબર 10 દ્વારા પસંદ કરેલા સલાહકારોની તેમની સાથે રાખે. ઋષિ સુનકને ચાન્સેલર બનાવાયા તે પહેલા જાવિદે તે યોજનાનો વિરોધ કરી પોતાનું પદ છોડવાનું પસંદ કર્યું હતું.
હાલમાં જોન્સન સરકારના કટ્ટર વિરોધી બની ગયેલા કમિંગ્સે જૂના મતભેદને ખંખેરીને જાવિદની નિમણૂકની ટ્વીટર પર તીવ્ર ટીકા કરી હતી. એમ મનાય છે કે આ નિર્ણય જૉન્સનના પત્ની કેરીના પ્રભાવથી લેવાયો જેઓ જાવીદની નજીક હોવાનું કહેવાય છે.
હેનકોકનું રાજીનામું વડા પ્રધાન જોન્સનની સત્તાને મોટા ફટકા સમાન છે. રાજીનામાના પત્રમાં હેનકોકએ કહ્યું હતું કે “આપણે દેશભરમાં રોગચાળા સામે લડવા માટે ખૂબ મહેનત કરી છે. હું કોવિડ ગાઇડલાઇન્સના ભંગ બદલ માફી માંગું છું, અને મારા કુટુંબ અને પ્રિયજનોની પણ આ તકલીફ આપવા બદલ માફી માંગું છું. મારે પણ આ સમયે મારા બાળકો સાથે રહેવાની જરૂર છે.” તેમના પત્રમાં તેમણે “એનએચએસ સ્ટાફના સમર્પણ અને હિંમત”ની પ્રશંસા કરી હતી પરંતુ સોશ્યલ કેરમાં કામ કરતા સ્ટાફનો ઉલ્લેખ કરવામાં નિષ્ફળ ગયા હતા.
જૉન્સને તેના જવાબમાં કહ્યું હતું કે ‘’હેનકોકને ગુમાવવા બદલ દિલગીર છું. માત્ર રોગચાળાનો સામનો કરવામાં જ નહીં, પણ કોવિડ-19 આપણા પર ત્રાટક્યો તે પહેલાંના કામગીરી અને તમે જે પ્રાપ્ત કર્યું છે તેનાથી ખૂબ જ ગૌરવ લેવું જોઈએ.”
લેબર નેતા કેર સ્ટાર્મરે કહ્યું હતું કે હેનકોકને રાજીનામું આપવાનો અધિકાર હતો. પરંતુ જોન્સને તેમને આ માટે કાઢી મૂકવા જોઈતા હતા.
હેનકોકે આ મહિને આરોગ્ય પ્રધાનોની જી-7 મીટિંગ માટે પોતાની સહાયક જીના સાથે ઑક્સફર્ડની મુસાફરી કરી હતી અને તેનો ખર્ચ કરદાતાઓએ ચૂકવ્યો હતો. એવો દાવો કરાયો હતો કે હેનકોકે પોલીસ તપાસનો સામનો કરવો પડશે. પરંતુ મેટ્રોપોલિટન પોલીસે પોતાની સ્થિતિને સ્પષ્ટ કરી હતી કે તેમાં કથિત કોવિડ ભંગ થતો નથી.
હેનકોકને મલ્ટિમિલીયન-પાઉન્ડના કોવિડ કોન્ટ્રેક્ટ સહિત આરોગ્ય વિભાગના મહત્વપૂર્ણ કામો માટે પોતાના વ્યક્તિગત ઇમેઇલ એકાઉન્ટનો ઉપયોગ કરવા બદલ એક નવી તપાસનો સામનો કરવો પડે તેમ છે એવો દાવો કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓએ આ અગાઉ હેનકોક પોતાના વ્યક્તિગત “જીમેઇલ એકાઉન્ટ દ્વારા” પત્રવ્યવહાર કરતા હોવાથી ચેતવણી આપી હતી. હેનકોકના ખાનગી ઇમેઇલ વપરાશનો અર્થ છે કે સરકાર દ્વારા કોરોનાવાયરસ રોગચાળાને નિયંત્રિત કરવાની સ્વતંત્ર તપાસ કરતા પહેલાં અધિકારીઓને તેમના કાર્યાલયમાં તેમના વર્તનના પુરાવા મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે.
ટોરી સાંસદોએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકથી તેઓ મતદારોના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે.