હેલ્થ સેક્રેટરી સાજીદ જાવિદ બે રસી લીધી હોવા છતાં કોવિડના ચેપથી અસરગ્રસ્ત થયા બાદ વડા પ્રધાન બોરિસ જોન્સન સેલ્ફ આઇસોલેટ થયા હતા. સાજીદ જાવિદે વિડીયો સંદેશ પોસ્ટ કરી જણાવ્યું હતું કે ‘’મેં કોવિડ માટે પોઝીટીવ ટેસ્ટીંગ કર્યું છે. મને હળવા લક્ષણો છે. હું ઘરે આઇસોલેટ થઇ કામ કરવાનું ચાલુ રાખીશ.’’
જાવિદના સંપર્ક પછી, જોન્સન અને ચાન્સેલર સુનકે શરૂઆતમાં એક સત્તાવાર ટેસ્ટીંગ પાઇલટ યોજનાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો જે તેમાં જોડાયેલા લોકોને સંપૂર્ણ સેલ્ફ આઇસોલેશનથી બચવા માટે સક્ષમ બનાવે છે. પરંતુ બીજી તરફ નિયમ એમ કહેતો હતો કે છેલ્લા 48 કલાકમાં જાવિદને મળેલા તમામે સેલ્ફ આઇસોલેટ થવું. જનતા અને રાજકીય વિરોધ બાદ ડાઉનિંગ સ્ટ્રીટે પલટી મારી હતી. જોન્સન 26 જુલાઇ સુધી લંડનના નોર્થ વેસ્ટમાં આવેલા ચેકર્સ ખાતે આઇસોલેટ થશે.