ચેસ્ટર બાય-ઇલેક્શનમાં કોન્ઝર્વેટીવ પાર્ટીની હારના કલાકો પછી કન્ઝર્વેટિવ પક્ષના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ હોમ સેક્રેટરી તથા પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદે આગામી 2024માં યોજાનાર ચૂંટણીમાં એમપી તરીકે ઊભા નહીં રહેવાની તા. 2ના રોજ શુક્રવારે જાહેરાત કરી છે.
તેઓ આ જાહેરાત કરીને હાઇ-પ્રોફાઇલ નેતાઓ અન એમપીઓની વધતી જતી હિજરતમાં જોડાયા છે. ઋષિ સુનકે ટ્વીટ કર્યું હતું કે ‘’મારા સારા મિત્ર સાજિદ જાવિદને રાજકારણમાંથી હટતા જોઈને દુઃખી છું, પણ … ફોર્સ તમારી સાથે રહેશે, સાજ.’’
મતદાન દર્શાવે છે કે જો હાલ ચૂંટણી યોજવામાં આવશે તો પક્ષનો ભારે પરાજય થશે. ફરીથી ચૂંટણીમાં ઊભા નહિં રહેવાની જાહેરાત કરનાર નેતઓમાં ડહેના ડેવિસન, ક્લો સ્મિથ અને વિલિયમ રેગનો સમાવેશ થાય છે.
જાવિદે આ માટે સ્થાનિક કન્ઝર્વેટિવ એસોસિએશનના અધ્યક્ષ પોલ ઉપ્પલને પત્ર લખ્યો હતો.
ઘણા લોકો અપેક્ષા રાખે છે કે વિદાય લેનારા ટોરી સાંસદોની યાદી સપ્તાહના અંતે વધશે. કેમ કે તેઓ ચૂંટણી લડીને હારવાને બદલે નહિં ઊભા રહેવાનું બહેતર માને છે.
લંડન સિટીમાં 18 વર્ષની સફળ કારકિર્દી પછી જાવિદ 2010માં કોમન્સમાં દાખલ થયા હતા. તેઓ ડોઇચર બેંક માટે કામ કરી ચૂક્યા છે. બસ ડ્રાઇવર પિતાના પુત્ર સાજિદ મુસ્લિમ પૃષ્ઠભૂમિના કેટલાક સાંસદોમાંના એક અગ્રણી છે અને ઝડપથી મતદારોના વિવિધ જૂથો સાથે અસરકારક રીતે વાતચીત કરી શકે તેવા વ્યક્તિ તરીકે તેમણે સંસદમાં પોતાનું નામ બનાવ્યું છે.
જાવિદ કોવિડ રોગચાળા દરમિયાન હેલ્થ સેક્રેટરી તરીકે ફ્રન્ટબેન્ચ પર પાછા ફર્યા હતા અને પક્ષના ડેપ્યુટી ચીફ વ્હીપ ક્રિસ પિન્ચર સામે જાતીય હુમલાના આરોપો વચ્ચે રાજીનામું આપ્યું હતું. જેને કારણે જૉન્સનના પતનને વેગ મળ્યો હતો.