તાજેતરમાં જાહેર થયેલા ડેટા સૂચવે છે કે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોને એક રાતકે તેથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 70 ટકા જેટલી ઓછી છે.
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં એવા વધુ પુરાવા આપવામાં આવ્યા છે કે કોવિડ-19 વેરિઅન્ટ અગાઉના પ્રભાવશાળી ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ગંભીર રોગ પેદા કરે તેવી શક્યતા ઓછી છે.
તેમાં જણાયું છે કે ડેલ્ટા સ્ટ્રેઈનની સરખામણીએ નવા વેરિઅન્ટથી સંક્રમિત લોકોના ઓછામાં ઓછી એક રાત માટે હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના 50થી 70 ટકા ઓછી હતી. તેમાં એ પણ દર્શાવ્યું છે કે A&E ની મુલાકાત લેતા લોકો 45 ટકા ઓછા હતા.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે, ‘સારા, પ્રોત્સાહક’ અધ્યયોની શ્રેણીનું સ્વાગત કર્યું છે, જે સૂચવે છે કે ઓમિક્રોનની અગાઉના સ્ટ્રેઇન્સ કરતાં હોસ્પિટલમાં ઓછા પ્રમાણમાં દાખલ થવાનું કારણ બની શકે છે.
UKHSAના તારણો તાજેતરમાં જાહેર થયેલા બે અધ્યયનોના પરિણામોને સંયોજિત કરે છે.
લંડનની ઈમ્પીરિયલ કોલેજના પ્રોફેસર નીલ ફર્ગ્યુસનના નેતૃત્વમાં સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે, ડેલ્ટા સ્ટ્રેઈનની સરખામણીએ ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવતા લોકો માટે હોસ્પિટલમાં રાત્રે રોકાણ કરવાની જરૂરિયાતનું જોખમ ઓછામાં ઓછું 40 ટકા ઘટ્યું હતું.
સ્કોટિશ દર્દીઓના જુદા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોના ઓમિક્રોન ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તેમની ડેલ્ટા વેરિઅન્ટ ધરાવતા લોકો કરતાં હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના લગભગ 64 ટકા ઓછી હતી.
યુનિવર્સિટી ઓફ સ્ટ્રેથક્લાઇડના પ્રોફેસર ક્રિસ રોબર્ટસને જણાવ્યું હતું કે, ઓમિક્રોન હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ‘અમારી અપેક્ષા કરતાં ઘણું ઓછું’ હતું.
હેલ્થ સેક્રેટરીએ આ અંગે બ્રોડકાસ્ટર્સને જણાવ્યું હતું કે, આ, ખરેખર સારા, પ્રોત્સાહક સમાચાર છે. તેનું જોખમ કેટલું ઓછું થયું છે તે હજુ સુધી બહુ સ્પષ્ટ થઇ શક્યું નથી.’