કરીના કપૂરના પતિ સૈફઅલી ખાન અને રિતિક રોશન નવી ફિલ્મમાં સાથે દેખાશે. વિક્રમ વેધા ફિલ્મમાં સૈફ વિક્રમ નામના પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે. અગાઉ પણ એક વેબસીરિઝમાં સૈફે આવો રોલ કર્યો હતો તેથી તેણે બંને ભૂમિકા અંગે સ્પષ્ટતા કરી હતી. સૈફ અને રિતિકની આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ વિક્રમ વેધાની હિન્દી રીમેક છે. આ તમિલ ફિલ્મમાં વિજય સેતુપતિ અને આર.માધવને અભિનય કર્યો હતો.
એક ઇન્ટરવ્યૂમાં સૈફે જણાવ્યું હતું કે, હું આ ફિલ્મમાં વિક્રમની ભૂમિકામાં છું, જે એક પોલીસ અધિકારી છે. મેં નેટફિલ્કસની સીરીઝ સેક્રેડ ગેમ્સમાં પણ પોલીસનું પાત્ર ભજવ્યું હતું જોકે આ બંને રોલમાં ઘણો તફાવત છે. વિક્રમ પ્રામાણિક, બાહોશ અને સમજદાર આઇપીએસ અધિકારી છે. આ ફિલ્મનું ડાયરેક્શન પુષ્કર ગાયત્રી કરશે, જેણે મૂળ તમિલ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ યુએઇમાં સપ્ટેમ્બર 2022માં શરૂ કરવાનું આયોજન છે.