ભારતની મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીએ સહારા ગ્રૂપની બે કંપનીઓ સહારા રિયલ એસ્ટેટ કોર્પોરેશન (SIRECL) અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SHICL) તથા આ કોર્પોરેટ ગ્રૂપના વડા સુબ્રતો રોય તથા અન્ય ત્રણ વ્યક્તિઓને રૂ. 12 કરોડનો દંડ ફટકાર્યો છે.
આ દંડ વર્ષ 2008 અને 2009માં ઓપ્શનલી ફૂલ કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (ઓફસીડી) ઇશ્યૂ કરવામાં નિયામકીય નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફટકાર્યો છે. સેબીએ જે વ્યક્તિઓને દંડ કર્યો છે તેમાં અશોક રોય ચૌધરી, રવિ શંકર દુબે અને વંદના ભાર્ગવ પણ સામેલ છે. આ દંડની રકમ 45 દિવસની અંદર જમા કરવાનો નિર્દેશ આપ્યો છે.
વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો કે સહારા ગ્રૂપની કંપનીઓએ સેબી એક્ટ્સનું ઉલ્લંઘન કર્યુ છે અને ખોટી રીતે 3.5 બિલિયન ડોલરથી વધારે પેમેન્ટ કર્યુ છે. કંપનીએ જણાવ્યુ કે, એવા લાખો ભારતીયો પાસેથી નાણાં એક્ત્ર કર્યા છે જે બેન્કિંગ સુવિધાઓનો લાભ મેળવી શકતા નથી. સ્ટેટ ફાઇનાન્સ મિનિસ્ટર પંકજ ચૌધરીએ તાજેતરમાં લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યુ હતુ કે, સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડે 232.85 લાખ રોકાણકારો પાસેથી રૂ. 19,400.87 કરોડ અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડે 75.14 લાખ રોકાણકારો પાસેથી રૂ. 6380.50 કરોડ એક્ત્ર કર્યા હતા.