સહારા ઈન્ડિયાના માલિક સુબ્રતો રોયની ધરપકડ કરવાનો પટના હાઇકોર્ટે આદેશ આપ્યો હતો, તેની સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. પટના હાઈકોર્ટે સહારા ગ્રુપના ચેરમેન સુબ્રતો રોયને સમન્સ આપવા છતાં કોર્ટમાં હાજર ન થવા બદલ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. તેની સામે સહારા ગ્રૂપના માલિકે સુપ્રીમમાં રાહત માટે અરજી કરી હતી. સુપ્રીમે અરજીને માન્ય રાખી હતી.
પટણા હાઈકોર્ટે સુનાવણી દરમિયાન હાજર ન રહીને કોર્ટનો અનાદર કરવાના મુદ્દે સહારાના માલિક સુબ્રતો રોયની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, સુપ્રીમે એ આદેશ સામે સ્ટે મૂકી દીધો હતો. અગાઉ પટણા હાઈકોર્ટના આદેશ મુજબ ધરપકડ વોરંટ ૩ રાજ્યોના પોલીસ વડાઓને મોકલવામાં આવ્યું હતું, જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના પોલીસ વડાઓને ૧૬મી મે પહેલાં ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ અપાયો હતો.
સહારા ઇન્ડિયાની વિવિધ સ્કીમ-યોજનાઓમાં રોકાણ કરનારા લોકોએ આરોપ મૂક્યો કે પાકતી મુદત વીતી ગયા બાદ પણ કંપનીએ તેમને પૈસા પરત કર્યા નથી. પટના હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા ખંડપીઠે સુબ્રત રોયને હાજર રહેવા અને કંપની રોકાણકારોને પૈસા કેવી રીતે પરત કરશે તે જણાવવા જણાવ્યું હતું. જોકે કોઇ જવાબ ન મળતા કોર્ટે સખ્તી અપનાવી હતી.