દક્ષિણ લંડનના કુલ્સડનમાં આવેલા ફોસ્ટર કેરરના ઘરેથી ગુરુવાર, તા. 20 ઓગસ્ટના રોજ છરી મારવાની ધમકી આપી 3 સગા ભાઇઓનું અપહરણ કરવા બદલ પોલીસે અપહરણકાર પિતા ઇમરાન શફીના 13 મળતીયાઓની ધરપકડ કરી છે. પરંતુ તે છોકરાઓ અને મુખ્ય શંકાસ્પદ પિતા ઇમરાન સફીને શોધવામાં પોલીસ હજૂ સફળ થઇ નથી. 26 વર્ષનો ઇમરાન સફી બળજબરીથી છોકરાઓને લઈ ગયો હતો.
બિલાલ, મોહમ્મદ ઇબ્રાર અને મોહમ્મદ યસીન સફી નામના 3 બાળકોના અપહરણ બદલ પોલીસે 31 વર્ષીય વ્યક્તિની તા. 29ને શનિવારે ઈલ્ફર્ડના એક ઘરેથી અને તા. 28ને શુક્રવારે 21 થી 41 વર્ષની વયના ચાર માણસોની અપહરણમાં સામેલ હોવાની શંકાના આધારે ઈલ્ફર્ડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને તપાસ હેઠળ મુક્ત કરવામાં આવ્યો છે. તેમને સપ્ટેમ્બરની શરૂઆતમાં સાઉથ લંડન પોલીસ સ્ટેશનમાં જામીન પર પાછા ફરવાનુ રહેશે.
ઇમરાને આ અપહરણ માટે નિસાન કાશ્કાઇ કારનો ઉપયોગ કર્યો હતો જે પોલીસે કબ્જે કરી હતી. પોલીસ હજુ પણ ગુમ થયેલ છોકરાઓ અને તેના પિતાની નિષ્ઠાપૂર્વક શોધ કરી રહી છે અને તેમની માહિતી આપવા સૌને અપીલ કરી છે.
પોલીસ કંટ્રોલ રૂમમાં અને ક્રાઈમસ્ટોપર્સને જનતાના 40 જેટલા કોલ આવ્યા છે અને પોલીસ તેની તપાસ કરે છે. બાળકોના અપહરણ પછી તમામ પોર્ટ્સને ચેતવણી આપવામાં આવી છે અને તેમની તસવીરો ફેલાવવામાં આવી છે. પોલીસ વિદેશમાં થતી કોઈપણ હિલચાલની પારખી લેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. અપહરણના આરોપનો સામનો કરનાર સફી અફઘાનિસ્તાનનો નાગરિક છે અને તેની પાકિસ્તાન સાથે પણ કડીઓ છે.