લંડનના પ્રથમ મુસ્લિમ મેયર સાદિક ખાને સપરિવાર મક્કા અને મદીનાની યાત્રા કરી હતી અને ત્યાંથી જ લંડનવાસીઓને ગુરુવારે તા. 29ના રોજ નવા વર્ષનો સંદેશો મોકલી ટ્વિટર પર પોતાની તસવીર પોસ્ટ કરી હતી. તે તસવીરમાં ઉમરાહ યાત્રા દરમિયાન શ્રી ખાન કાબાની સામે હાથ ઉંચા કરીને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
અન્ય ફોટોગ્રાફમાં, ખાન મસ્જિદ-એ-નબવીના પ્રાંગણની અંદર લીલા ગુંબજ સાથેના બેકડ્રોપમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા.
લંડનના મેયર તરીકે 2016થી સેવાઓ આપતા સાદિક ખાને પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ‘’2022નો આશીર્વાદપૂર્ણ અંત. ઘણા બધા પરિવારો માટેના આ ખાસ સમય દરમિયાન, હું મારા પરિવાર સાથે ઉમરાહ તીર્થયાત્રા કરવા માટે પવિત્ર શહેરો મક્કા અને મદીનાની મુલાકાત લઈ શક્યો તે બદલ હું આભારી છું. અહીં પણ 2023 અદ્ભુત છે.’’
મેયર ખાનનો જન્મ ટુટીંગ, સાઉથ લંડનમાં વર્કિંગ-ક્લાસના બ્રિટિશ-પાકિસ્તાની પરિવારમાં ઇમિગ્રન્ટ બસ ડ્રાઇવરના પુત્ર તરીકે થયો હતો. તેઓ ગયા વર્ષે કન્ઝર્વેટિવ પાર્ટીના તેમના હરીફ શૉન બેઈલીને હરાવીને 55.2% મતો મેળવી ફરીથી ચૂંટાયા હતા. તે અગાઉની ટર્મમાં તેમણે ટોરી ઉમેદવાર અને કરોડપતિ ઝેક ગોલ્ડસ્મિથને હરાવ્યા હતા.