લેબર પાર્ટીના નેતા, સાઉથ લંડનના ટૂટીંગના ભૂતપૂર્વ સાંસદ અને પાકિસ્તાની મૂળના સાદિક ખાન ફરી એક વખત તા 6 મે, ગુરૂવારે થયેલી સ્થાનિક ચૂંટણીઓમાં લંડનના મેયર તરીકે કૉન્ઝર્વેટીવ પાર્ટીના શૉન બેઇલી સામે 228,000 મતોની બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. મેયર તરીકની આ તેમની સતત બીજી જીત છે. તેઓ 2016માં યુરોપના કોઇ પણ મોટા શહેરના મુસ્લિમ મેયર તરીકે ચૂંટાયેલા પ્રથમ વ્યક્તિ હતા.
લેબર પાર્ટીનુ પ્રદર્શન ઇંગ્લેન્ડમાં નિરાશાજનક રહ્યુ છે ત્યારે પાર્ટીની પ્રતિષ્ઠા સાચલતા સાદિક ખાનને કુલ મત પૈકી 55.2 ટકા મત મળ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી અને કૉન્ઝર્વેટિવ પાર્ટીના શૉન બેઇલીને 44.8 ટકા મત મળ્યા હતા. મેયરની ચૂંટણીના પ્રથમ અને બીજી પસંદગીના મતો શનિવારે રાતે સંપૂર્ણ રીતે ગણવામાં આવ્યા હતા અને તેમાં ખાનને 1,206,034 અને બેઇલીને 977,601 મતો મળ્યા હતા. જોકે બેઇલીએ કૉન્ઝર્વેટિવ વોટ શેરમાં 1.6% નો વધારો કર્યો હતો. જ્યારે લેબરના મતમાં 1.6 ટકાનો ઘટાડો થયો હતો. આ વખતની ચૂંટણી માટે કુલ 42 ટકા મતદાન થયુ હતુ.
મતદાનના પ્રથમ તબક્કામાં બહુમતી મેળવવામાં નિષ્ફળ રહેલા સાદિક ખાને બીજા તબક્કામાં શૌન બેઇલી સામે બીજા પ્રેફરન્શીયલ વોટમાં 55.2 ટકા મત મેળવ્યા હતા. ગ્રીન પાર્ટીના સિયાન બેરી ત્રીજા ક્રમે અને લિબરલ ડેમોક્રેટ્સની લુઇસા પોરિટ ચોથા ક્રમે રહ્યા હતા. લિબ ડેમ્સ 5% કરતા વધારે મત જીતવામાં નિષ્ફળ જતાં લુઇસા પોરિટે પોતાની ડીપોઝીટ ગુમાવી હતી.
ચૂંટાયા બાદ 51 વર્ષીય સાદિક ખાને સિટી હૉલમાં પ્રતિભાવ આપતાં કહ્યુ હતુ કે, ‘’મને ખુશી છે કે, ધરતી પરના સૌથી મહાન શહેરનું નેતૃત્વ કરવા માટે લોકોએ મારા પર ભરોસો મુકયો છે. લંડન માટે વધુ સારૂ, ઉજ્જવળ ભાવિ બનાવવામાં મદદ માટે મારાથી થતા તમામ પ્રયાસ કરીશ. મેયર તરીકેની મારી બીજી ટર્મમાં રોજગારી પેદા કરવા પર અને વિવિધ સમુદાયો વચ્ચેનુ અંતર ઓછુ કરવા માટે હું મારૂ ધ્યાન કેન્દ્રીત કરીશ. હું ક્યારેય કલ્ચર વોરનો પોસ્ટર બોય બનવા માંગતો નહોતો.’’
શ્રી ખાને કહ્યું હતું કે “હું હંમેશાં બધા લંડનવાસીઓનો મેયર રહીશ, આ શહેરના દરેક વ્યક્તિના જીવનમાં સુધારો લાવવાનું કામ કરીશ. યુકેની ચૂંટણીના પરિણામો આપણા દેશને બતાવે છે, અને આપણું શહેર પણ ઉંડેથી વિભાજિત છે. બ્રેક્ઝિટના ઘા હજી મટાડવાના બાકી છે. ક્રૂડ કલ્ચર યુદ્ધ આપણને દૂર ધકેલી રહ્યું છે. લંડન અને આપણા દેશના જુદા જુદા ભાગોમાં આર્થિક અસમાનતા વધુ ખરાબ થઈ રહી છે. આપણે જેમ જેમ આગળના પડકારની પ્રચંડતાનો સામનો કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ રોગચાળોમાંથી ફરીથી નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ત્યારે આપણે દેશની રીકવરીની આ ક્ષણનો ભાગલા ન થાય તે માટે ઉપયોગ કરવો જોઈએ.”
બ્રેક્ઝીટ નિર્ણયના ટીકાકાર અને મુસ્લિમ દેશોના લોકો પર અમેરિકામાં આવવા પર તત્કાલિન ટ્રમ્પ સરકારે મુકેલા પ્રતિબંધની આકરી ટીકા કરનાર સાદિક ખાનનો પરિવાર 1970માં લંડન આવ્યો હતો અને તેમણે યુનિવર્સિટી ઓફ નોર્થ લંડનમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.
સાદિક ખાનને આખી ચૂંટણી ઝુંબેશ દરમિયાન પહેલેથી જ લોકપ્રિય ઉમેદવાર ગણી આગાહી કરાઇ હતી કે તેઓ પહેલા રાઉન્ડના અડધાથી વધુ મતોથી જીતશે. પરંતુ તેઓ વર્ષ 2016ના પોતાના રેકોર્ડ સેટિંગ વોટ સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા હતા. બીજી તરફ શ્રી બેઇલીને મતદાતાઓ, પત્રકારો અને અન્ય રાજકારણીઓ દ્વારા પહેલેથી જ ‘માંડી વાળવા’માં આવ્યા હતા અને ખુદ કૉન્ઝર્વેટીવ પાર્ટીએ જીતવા માટેની બધી મશીનરી નોર્થની બેઠકો પર લગાવી દીધી હતી.
શ્રી બેઇલીએ જણાવ્યું હતું કે “લંડનના લોકોએ મને માંડી વાળ્યો નહોતો. મને આશા છે કે ફરીથી ચૂંટાયેલા મેયર તરીકે મિસ્ટર ખાન સરકારને દરેક બાબત માટે દોષી ઠેરવશે નહીં”
રાજધાનીમાં લેબરે પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યુ હતું અને લંડન એસેમ્બલીમાં નવ મતદાર બેઠકો જીતી સૌથી મોટો પક્ષ બન્યો હતો. જ્યારે કૉન્ઝર્વેટિવ્સે બાકીની પાંચ બેઠક જીતી હતી. લંડન એસેમ્બલીનું સભ્યપદ બે ભાગમાં વહેંચાયેલું છે. તે 14 મતદારક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે અને અન્ય 11 સભ્યો પાર્ટી લીસ્ટ સિસ્ટમ દ્વારા ચૂંટાય છે.
વર્ષ 2020માં કોરોનાવાયરસ રોગચાળાના કારણે આ ચૂંટણી એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી હતી.