કોવિડ-19ના દર્દીઓની વંશીયતા પ્રકાશિત થવી જોઈએ: સાદિક ખાન

0
569
(Photo by Tim P. Whitby/Tim P. Whitby/Getty Images)

યુ.કે. સરકાર તરફથી કોરોનાવાયરસથી પ્રભાવિત દરેકની વંશીયતા વિષેની માહિતી નિયમિતપણે એકત્રિત કરીને તેને હાલના સંજોગોમાં જ પ્રકાશિત કરવાની પ્રતિબદ્ધતા હોવી જોઈએ, જેથી આપણે આ અંગેની ચિંતાઓને સમજીને તેના ઉપર કાર્ય કરી શકીએ એમ લંડનના મેયર સાદિક ખાને જણાવ્યુ હતુ.

તાજેતરના અધ્યયનમાં યુકેની હોસ્પિટલોમાં શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય (BAME) સમુદાયોના લોકો કોરોનાવાયરસના કારણે ગંભીર રીતે બીમાર થયેલા દર્દીઓમાં ત્રીજો ભાગ ધરાવે છે.

સાદિક ખાને જણાવ્યુ હતુ કે “BAME સમુદાયોમાં અપ્રમાણસર મૃત્યુને લગતી સૌથી મોટી અંતર્ગત પરિબળોમાંની એક કારણ સામાજિક-આર્થિક છે. ઘણા પાસે લોકડાઉન દરમિયાન ઘરેથી સુરક્ષિત રીતે કામ કરવાની સુવિધા નથી. વળી તે લોકોમાં સરેરાશ રીતે  ખરાબ જીવનની અપેક્ષા, હૃદયરોગ, અસ્થમા અને ડાયાબિટીસ જેવી ગંભીર સ્વાસ્થ્યપ્રદ સ્થિતિઓ પણ વધુ જોવા મળે છે. એનએચએસમાં આશરે 40 ટકા ડોકટરો અને 20 ટકા નર્સીસ BAME સમુદાયોના છે વળી લંડનમાં તો સોશ્યલ કેર ક્ષેત્રે કામ કરતા 67 ટકા પુખ્ત વયના લોકો આ સમુદાયના છે. જેને લીધે તેમને માટે કોરોનાવાયરસનો ભોગ બનવાનુ મોટું જોખમ રહે છે.’’

ખાને BAME સમુદાયોના લોકો COVID-19ના કારણે અપ્રમાણસર અસર પામી રહ્યા છે તે અંગેની સમીક્ષા શરૂ કરવાની સરકારની ઘોષણાને આવકારી હતી. ખાને એક નવો સામાજિક કરાર બનાવવાની અપીલ કરી હતી જે વંશીય અને આર્થિક સમાનતાના બે કારણોને આગળ વધારે અને દેશના દરેક સમુદાયના કલ્યાણ અને સુખાકારીને પ્રાધાન્ય આપે.

સાદિક ખાને લંડનની મુસાફરી દરમિયાન ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવાની સરકારને વિનંતી કરતા ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સને પત્ર લખી જણાવ્યુ હતુ કે ‘’યુકે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયથી પાછળ છે. વિશ્વભરના પુરાવા બતાવે છે કે ચહેરા પર માસ્ક પહેરવાથી કોરોનાવાયરસના પ્રસારને રોકવાનુ અસરકારક બને છે. હું ઈચ્છું છું કે આપણે પણ તે વહેલી તકે કરીએ. જ્યાં સામાજિક અંતર રાખવું શક્ય નથી, પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ, કોઈ દુકાનમાં હો ત્યારે નોન-મેડિકલ માસ્ક કે સ્કાર્ફ કે અન્ય કપડુ વાપરી શકીએ. જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવાથી કોઈ વ્યક્તિ અજાણતાં અન્ય લોકોને ચેપ લગાવતુ અટકે છે.”

દરમિયાનમાં લંડનના મેયર પદના ટોરી ઉમેદવાર શોન બેઇલીએ ખાનની “ટ્રાન્સપોર્ટ વર્કરને પી.પી.ઇ. આપવાની નિષ્ફળતા” અને તેમના જીવને જોખમમાં મૂકવા બદલ ટીકા કરતા જણાવ્યુ હતુ કે “જો તે ઇચ્છતા હોત તો તેઓ આવતીકાલે જ તેમના 60,000 પરિવહન કર્મચારીઓને પી.પી.ઇ. અપાવી શકે છે.’’

15 લંડન બસ કર્મચારીઓ સહિત 21 પરિવહન કામદારો કોવિડ-19થી મૃત્યુ પામ્યા છે. ખાને કહ્યું હતુ કે ”ઘણાંએ પી.પી.ઇ. માંગ્યા છે અને અમે ચિંતાઓને દૂર કરવા માટે ટ્રેડ યુનિયનો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પી.પી.ઇ.ના પુરવઠાની તંગી છે પરંતુ મેં TFL ને પરિવહન કામદારો માટે પી.પી.ઇ સ્ટોકની ઉપલબ્ધતા પર ધ્યાન આપવા કહ્યું છે.”