સાધ્વીજીએ તેમના પ્રેરણાદાયી સંબોધનના અંતે ધર્મ સંસદના મુખ્ય મંચ પર બેઠેલા તમામ નેતાઓ, ધાર્મિક વડાઓ, સહભાગીઓ અને તમામ શ્રોતાઓને હાથ ઊંચા કરીને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે ટકાઉ અને સલામત પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.

શિકાગોમાં યોજાયેલી વિશ્વ વિખ્યાત ધર્મ સંસદમાં ગ્લોબલ ઈન્ટરફેઈથ વોશ એલાયન્સના ઈન્ટરનેશનલ જનરલ સેક્રેટરી અને પરમાર્થ નિકેતન, ઋષિકેશ સ્થિત ડિવાઈન શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ સાધ્વી ભગવતી સરસ્વતીએ પ્રતિષ્ઠિત વક્તા તરીકે ભાગ લીધો હતો અને વિશ્વના 100થી વધુ દેશોના પ્રતિભાગીઓને સંબોધિત કર્યા હતાં.

શિકાગોના ઇલિનોઇસ ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં સાધ્વી ભગવતી સરસ્વતીએ 7 સત્રોને સંબોધિત કર્યા હતા. અમેરિકામાં જે શહેરમાં 1893ની મૂળ સંસદ યોજાઈ હતી તે જ શહેરમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. 1893માં સ્વામી વિવેકાનંદે ભારતનું પ્રતિનિધિત્વ કરતા તેમનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું, આ વર્ષે ફરીથી તે જ સ્થળે ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિશ્વના લગભગ 100 દેશોમાંથી 6,500થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો તથા ‘સ્વતંત્રતા અને માનવાધિકારની સુરક્ષા માટે એક આહ્વાન’ વિષય પર તેમનું વક્તવ્ય આપ્યું હતું.
ધર્મ સંસદમાં સાધ્વીજીએ વિવિધ વિષયો પર ભારતીય ચિંતન અને ફિલસૂફી પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે કહ્યું કે ધાર્મિક સંસ્થાઓ સાથે મળીને પાણી અને પર્યાવરણની સુરક્ષા માટે અદભૂત કાર્ય કરી શકે છે. આપણી ધરતી માતા, આપણી પૃથ્વી અને આપણા જળ સંસાધનોની સુરક્ષામાં ધાર્મિક નેતાઓ અને આસ્થા આધારિત સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

સાધ્વી ભગવતી સરસ્વતીએ મહિલા ધાર્મિક નેતાઓ પર કેન્દ્રિત બે પેનલમાં પણ ભાગ લીધો હતો. આસ્થા આધારિત સંસ્થાઓની મહિલા શક્તિનું શાંતિ નિર્માતા તરીકે મહત્વનું યોગદાન છે. શાંતિપૂર્ણ અને ટકાઉ વિશ્વના નિર્માણમાં મહિલા ધાર્મિક નેતાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ચિંતન કરાયું હતું. આ બંને પેનલે શાંતિ અને સ્થિરતા લાવવામાં મહિલા ધાર્મિક નેતાઓના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

સાધ્વી ભગવતી સરસ્વતીજીએ ધર્મ સંસદ દ્વારા આયોજિત આબોહવા પરિવર્તન પરના એક શક્તિશાળી સત્રમાં પણ ભાગ લીધો હતો, જેમાં વિવિધ પ્રદેશોના વિવિધ ધર્મોના ધર્મગુરુઓએ પ્રાર્થના, ઉપદેશો, સંદેશાઓ, મંત્રો તથા જળવાયુ પરિવર્તનને રોકવાના સુરક્ષિત સિદ્ધાંતોનું આદાનપ્રદાન કર્યું હતું.

સાધ્વી ભગવતી સરસ્વતીજીએ કહ્યું કે મનુષ્ય તરીકે જન્મેલા દરેક જીવનું ગૌરવ છે, તે પોતાનામાં મૂલ્યવાન છે અને મનુષ્ય હોવાના નાતે તેને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો પૂરો અધિકાર છે, તેથી જન્મ લેતી વખતે પ્રકૃતિ તેને તે તમામ અધિકાર પ્રદાન કરે છે કે જે માનવ જાતિના અસ્તિત્વ માટે જરૂરી છે. કુદરતે આપેલા અધિકારોનો આનંદ માણવા ઉપરાંત કુદરત પ્રત્યે જે પણ ફરજો હોય તે અદા કરવી તે સૌનો પરમ ધર્મ છે, આ સંદેશ ભારતીય સંસ્કૃતિ આપણને આપે છે.

સાધ્વીજીએ તેમના પ્રેરણાદાયી સંબોધનને અંતે સંસદના મુખ્ય મંચ પર બેઠેલા તમામ નેતાઓ, ધાર્મિક વડાઓ, સહભાગીઓ અને તમામ શ્રોતાઓને હાથ ઊંચા કરીને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે ટકાઉ અને સલામત પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. સાધ્વીજીએ કહ્યું કે આ સંકલ્પ માત્ર આબોહવા પરિવર્તનને રોકવા અને આપણું રક્ષણ કરવાની પ્રાર્થના નથી, પરંતુ પર્યાવરણ અને ખરેખર માતા પૃથ્વીના રક્ષણ અને જાળવણી માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા પણ છે.

આ ધર્મસંસદમાં સામેલ થયેલા અન્ય મહાનુભાવોમાં ભારતની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ આર એફ નરિમાન, યુકેના ગુરુ નાનક નિષ્કામ સેવક જાથાના ભાઈ સાહેબ, ભાઈ મોહિન્દર સિંઘ, શિકાગોના કોંગ્રેસમેન બોબી રસ, યુનાઇટેડ રિલિજન્સ ઇનિશિયેટિવના વૈશ્વિક અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના યુએસ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રીતા બંસલ, યુનાઇટેડ રિલિજન્સ ઇનિશિયેટિવના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના જેરી વ્હાઇટ, શિકાગોના મેયર બ્રેન્ડન જોન્સન સહિતના અગ્રણીઓ સામેલ હતો.

 

LEAVE A REPLY