દિલ્હીની એપોલો હોસ્પિટલમાં ઈમર્જન્સી બ્રેઈન સર્જરી પછી સદગુરુ જગ્ગી વાસુદેવની તબિયતમાં ઝડપી રિકવરી આવી રહી છે. સદગુરુએ 25 માર્ચે તેમનું હેલ્થ એપડેટ આપતો એક વીડિયો જારી કર્યો હતો, જેમાં દેખાય છે કે સદગુરુ એક વર્તમાનપત્ર વાંચી રહ્યાં છે.
બેકગ્રાઉન્ડમાં ધીમા સંગીત સાથેના 19-સેકન્ડના વીડિયોમાં સદગુરુ હોસ્પિટલના રૂમની અંદર અખબાર વાંચતા જોઈ શકાય છે. વીડિયોને સદગુરુના X પરના સોશિયલ મીડિયા હેન્ડલ પર #Sadhguru #SpeedyRecovery હેશટેગ્સ સાથે પોસ્ટ કરાયો હતો.
મગજમાં જીવલેણ રક્તસ્ત્રાવનો ભોગ બન્યા બાદ સદગુરુએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં ઈમર્જન્સી બ્રેઈન સર્જરી કરાવી હતી. 20 માર્ચે એપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. વિનિત સૂરીએ આધ્યાત્મિક ગુરુના સ્વાસ્થ્ય વિશે અપડેટ શેર કર્યું હતું. ડો. વિનિત સુરી, ડો. પ્રણવ કુમાર, ડો. સુધીર ત્યાગી અને ડો. એસ ચેટર્જીની બનેલી ડોકટરોની ટીમે રક્તસ્રાવને દૂર કરવા સર્જરી કરી હતી. શસ્ત્રક્રિયા પછી સદગુરુનું વેન્ટિલેટર દૂર કરવામાં આવ્યું હતું.
સર્જરી પછી ઇશા ફાઉન્ડેશનને એક નિવેદનમાં જણાવ્યું હતું કે સર્જરી પછી સદગુરુ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યાં છે અને અપેક્ષાઓથી વધુ સારી રિકવરી આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આધ્યાત્મિક ગુરુ સાથે વાતચીત કરી હતી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભકામના વ્યક્ત કરી હતી. સદગુરુએ સર્જરી પછી તેમના હોસ્પિટલના પલંગ પરથી મજાક કરતા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે “એપોલો હોસ્પિટલના ન્યુરોસર્જનોએ મારી ખોપરી કાપીને કંઈક શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને કંઈ મળ્યું નહીં… તદ્દન ખાલી.” … તેઓએ હાર માની અને ટાંકા લીધા, અહીં હું દિલ્હીમાં છે, ટાંકા લીધેલી ખોપરી સાથે, પરંતુ કોઈ નુકસાન નથી.”