પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવના મગજમાં જીવલેણ રક્તસ્રાવને પગલે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમની સફળ બ્રેઇન સર્જરી કરાઈ હતી. સર્જરી પછી સદગુરુ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યાં છે અને અપેક્ષાઓથી વધુ સારી રિકવરી આવી રહી છે, એમ ઇશા ફાઉન્ડેશનને એક નિવેદનમાં જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આધ્યાત્મિક ગુરુ સાથે વાતચીત કરી હતી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભકામના વ્યક્ત કરી હતી.
સદગુરુએ સર્જરી પછી તેમના હોસ્પિટલના પલંગ પરથી મજાક કરતા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે “એપોલો હોસ્પિટલના ન્યુરોસર્જનોએ મારી ખોપરી કાપીને કંઈક શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને કંઈ મળ્યું નહીં… તદ્દન ખાલી.” … તેઓએ હાર માની અને ટાંકા લીધા, અહીં હું દિલ્હીમાં છે, ટાંકા લીધેલી ખોપરી સાથે, પરંતુ કોઈ નુકસાન નથી.”
ઇશા ફાઉન્ડેશનના નિવેદન અનુસાર સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના ગંભીર દુખાવોથી પીડાઈ રહ્યા હતાં. પીડા તીવ્ર હોવા છતાં, તેમણે તેમના નિર્ધારિત કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી અને 8મી માર્ચ 2024ના રોજ રાત્રી સુધી ચાલતી મહાશિવરાત્રીની ઉજવણી પણ કરી હતી.
14 માર્ચની બપોરે તેઓ દિલ્હી પહોંચ્યા ત્યારે માથાનો દુખાવો ગંભીર બની ગયો હતો. ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ડૉ. વિનિત સૂરીની સલાહ પર સદગુરુએ તાત્કાલિક એમઆરઆઈ કરાવ્યું હતું, જેમાં મગજમાં મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ થયો હોવાનું બહાર આવ્યું હતું. જોકે તેમણે બાકી કામની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કર્યા વિના હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કર્યો હતો.
17 માર્ચે સદગુરુની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. તેમણે તેમના ડાબા પગમાં નબળાઈની તથા સતત ઉલ્ટી સાથે માથાના દુખાવોની ફરિયાદ કરી હતી. તેમને આખરે એડમિટ કરાયા હતાં. સીટી સ્કેનથી બહાર આવ્યું હતું કે મગજના સોજામાં મોટો વધારો થયો છે અને મગજ એક તરફ જીવલેણ રીતે ખસી ગયું હતું. હોસ્પિટલમાં દાખલ થયાના થોડાના કલાકમાં તેમની બ્રેઇન સર્જરી કરાઈ હતી. સર્જરી પછી સદગુરુને વેન્ટિલેટરથી મુક્ત કરાયાં હતાં.