પ્રશ્ન – સદગુરુ, બાહ્ય જગતમાં જેની પર્યાપ્ત કદર કે નોંધ લેવાયાનું અનુભવાતું નથી તેવા આપણા ભારતીય સાંસ્કૃતિક વારસા વિષે શું તમે કાંઇ કહેશો? આપણા નામશેષ સ્મારકો અને કચડાયેલા વણકરોનો ઢગલો બની ગયા હોઇએ તેમ લાગે છે.
સદગુરુ – કાપડ ઉદ્યોગની વાત કરીએ તો ભારત જેવું વણાટ, રંગકામ અને કાપડનું વૈવિધ્ય તૈયાર કરવાની આપણી સંસ્કૃતિ જેવું બીજું કોઇ સ્થળ આ જગતમાં નથી. જોકે અવગણના અને મલિન ઇરાદાના કારણે તેમાંનો ઘણો હિસ્સો નાશ પામ્યો છે તે જુદી વાત છે. બ્રિટીશરો ભારતીય કાપડ ઉદ્યોગનો નાશ ઇચ્છતા હતા કારણ કે તેમની પાસે કાપડ ઉત્પાદન માટે માન્ચેસ્ટર હતું. એક સમયે કોઇમ્બતૂર ભારતનું માન્ચેસ્ટર હતું. તેમણે માન્ચેસ્ટરને યુ.કે.નું કોઇમ્બતૂર કહેવું જોઇતું હતું કારણ કે આપણે કપાસ ઉગાડવા, કાપડ બનાવવા અને તેની નિકાસ કામગીરી હજારો વર્ષથી કરતા હતા. ભારતીય કાપડ ઉદ્યોગે સમસ્ત જગતને કપડાં પહેરાવ્યા હોવાના પુરાવા દૃષ્ટાંતરૂપે સીરિયા અને ઇજિપ્તનાં પ્રાચીન સ્થળોએ આપણને આજે પણ જોવા મળે છે.
એક હકીકત સ્પષ્ટ છે કે આપણે લાંબો સમય પરદેશીઓના તાબા હેઠળનો વિસ્તાર રહ્યા છીએ અને તેમાં પણ છેલ્લાં 250 વર્ષોમાં તો ભારતમાં કાપડ ઉદ્યોગના પદ્ધતિસરના નાશનું કામ થયું હતું અને તેમાં પણ ભારતીય કાપડ ઉદ્યોગના નાશે મોટી અસર કરી છે કારણ કે ખેતી પછી બીજો મુખ્ય ધંધો – ઉદ્યોગ કાપડ ઉદ્યોગ હતો. બ્રિટિશર્સની નીતિ બહુ સ્પષ્ટ હતી કે કાપડ ઉદ્યોગનો નાશ કરી અહીંયાથી કાચો માલસામાન લઇ જઇ પોતાની પેદાશ ભારતમાં ઠાલવી પોતાના અર્થતંત્રની સદ્ધરતા વધારવી.
આ તો થઇ કાપડઉદ્યોગની વાત. ભારતીય અને ઉપખંડના શિલ્પશાસ્ત્રની વાત કરીએ તો તેના સૌંદર્યની સાદગી પણ આંખે ઉડીને વળગે તેવી છે. સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પથ્થર, માટી, ઇંટો અને ચૂનાની બનેલા અનેક બાંધકામોની સુંદરતા અદભુત હતી અને કેટલાક નમૂના અનેક દાયકાઓ પછી આજે પણ હયાત છે. આનું શ્રેષ્ઠ બેનમૂન દૃષ્ટાંત નેપાળનું ભક્તપુર છે.
કમનસીબે ધરતીકંપે ભક્તપુરમાં મોટો વિનાશ વેર્યો છે પરંતુ કંઇક અંશે તેની જૂની ભવ્યતા પુનઃ સ્થાપિત થઇ રહી છે તેમ હું માનું છું. ભક્તપુર હજાર વર્ષ જૂનું જીવંત શહેર છે. લગભગ સંપૂર્ણ પ્રાચીન ભારત પણ કંઇક અંશે ભક્તપુર જેવું જ છે. પ્રત્યેક તબક્કે ભારોભાર સૌંદર્ય છલકે છે. પ્રત્યેક માળ અને દિવાલો ઉપર સંગીતની શૂરાવલીઓ જેવી લયબદ્ધ કોતરણીના શિલ્પો સંપૂર્ણતયા હાથથી કોતરાયેલા છે. આવા ભવ્ય સર્જન માટે નાણાં, પ્રયાસ અને સમયના સંદર્ભમાં કેટલું બધું યોગદાન, નિષ્ઠા પ્રદાન કરાઇ હશે તેની આપણે કલ્પના જ કરવી રહી.
ઇલોરાના કૈલાષ મંદિર અને તમિળનાડુનાં મંદિરો તરફ તમે નજર માંડશો તો તમને માનવીય ગૌરવની અનુભૂતિ થશે. આ પ્રાચીન સ્થાપત્યોની ભૂમિતિ, સુંદરતા અને ઇજનેરીકળા અદભુત અને ગૌરવગાથારૂપ છે. આ બધા જ સર્જનો માનવીય હસ્તકળાના બેનમૂન પ્રમાણ છે. આપણા માટે મહત્વનું એ છે કે સેંકડો હજારો વર્ષો પૂર્વેના માનવીઓ પણ આવા સર્જનની કુનેહતા ધરાવતા હતા. આજના ભારતમાં બધું જ હવે ઉપયોગ અને વપરાશ આધારિત થઇ ગયું છે. કશાક સુંદર સર્જનને યોગ્ય ગણવામાં આવતું નથી.
આપણી સૌંદર્ય સમજ બારીની બહાર ફેંકાઇ ગઇ છે. આજે જો તમે ભારતના ઘણા બધા ભાગોમાં ફરશો તો તમે જોઇ શકશો કે અડધો અડધ મકાનો જુદા જુદા એક્રીલિક રંગોથી રંગાયેલા જોવાશે. આ બધું સેંકડો વર્ષોની દરિદ્રતાનું પણ પરિણામ હોઇ શકે. સુંદર અને સૌંદર્યની કદરની ભાવના ફરી જન્માવવા માટે આર્થિક કલ્યાણ મહત્વનું છે.
આ બધું થતાં સુધી આપણે એક વાત ધ્યાનમાં રાખવી રહી કે બધું જ વપરાશ કે ઉપયોગિતા માટે હોતું નથી. જો આ બધું જ ઉપયોગ પૂરતું જ હોય તો હું તમને પૂછું કે તમારા જીવનનો શું ઉપયોગ? જો તમે એમ માનતા હો કે તમારૂં જીવન ઉપયોગી છે તો તમે મૂર્ખ છો. તમે આ ધરતી ઉપર ના હોત તો પણ જગત તો એની ગતિએ આગળ ધપતું રહ્યું હોત, ધરતી પણ ફરતી જ હોત. તમે મૃત્યુ પામશો ત્યારે તમને આ સમજાશે. તમારા વિના પણ બધું જ ચોક્કસ અને સંપૂર્ણ હશે. આપણે કોઇક રીતે ઉપયોગી છીએ એવું કાંઇ છે જ નહીં.
જો માનવીનું અસ્તિત્વ જ ના હોત તો સમગ્ર જગત બેનમૂન સુંદરતાથી સભર હોત. અહીંયા પ્રશ્ન આપણે કેટલા ઉપયોગી છીએ તે નથી, પરંતુ આપણે કેટલું સુંદર જીવન જીવીએ છીએ, તે છે. માનવી સિવાયનો અન્ય કોઇ જીવ કુદરતી સુંદરતાનો નાશ કરતો નથી. માનવી તરીકે આપણું જીવન અને જરૂરિયાતો એવી છે કે, આપણે ઘણી બધી કુદરતી સુંદરતાનો નાશ કરીએ છીએ. જ્યારે પણ એવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણું કામ સાચા અર્થમાં સુંદર ચીજોનું નિર્માણ કરવાનું રહેવું જોઇએ, પછી આવું સર્જન કોઇ બિલ્ડિંગ કે માળખું, આપણું શરીર, કપડાં કે અન્ય કોઇ પણ સર્જન હોય તેમાં આપણે આપણાથી શક્ય હોય તેટલી હદે કુદરતી સુંદરતા પુનઃ પ્રસ્થાપિત કરવી રહી.
– Isha Foundation