ગ્રીસમાં નદીના કિનારે વસતો ડાયોજીનસ અદભૂત અને તરંગી, ઊર્મિશીલ ભિક્ષુક હતો. માત્ર એક ચર્મવસ્ત્ર ધારણ કરી ફરતા ડાયોજીનસને એક દિવસ કોઇકે સુંદર ભિક્ષાપાત્ર આપ્યું. મંદિરના દરવાજે ભિક્ષા માંગતા ડાયોજીનસને જે કાંઇ ખાવાનું મળતું તે ખાઇ લેતા હતા.
એક દિવસ ભોજન લીધા બાદ ડાયોજીનસ નદી તરફ જઇ રહ્યા હતા ત્યારે એક શ્વાન તેમના આગળ નીકળી નદીના પાણીમાં તરીને કાંઠાની રેતીમાં આનંદભેર આળોટવા લાગ્યો. ડાયોજીનસે શ્વાન તરફ નજર માંડીને વિચાર્યું કે હે ભગવાન, મારૂં જીવન આ શ્વાનથી પણ બદતર છે. તરંગી ઊર્મિશીલ ડાયોજીનસ વિચારવા લાગ્યા કે તેમણે જ્યારે જ્યારે નદીમાં કૂદકા માર્યા ત્યારે તેમને તેમનું ચર્મવસ્ત્ર ભીનું થવાની તથા તેમનું સુંદર ભિક્ષાપાત્ર નદીકાંઠે રહી જશે તેની ચિંતા સતાવતી હતી. ડાયોજીનસે તેમના ચર્મવસ્ત્ર અને ભિક્ષાપાત્રને ફેંકી દીધા અને આજીવન દિગમ્બર અવસ્થામાં રહ્યા.
ડાયોજીનસ તેમની મસ્તીમાં મસ્ત ઊર્મિશીલ અવસ્થામાં એક દિવસ નદી કાંઠે સૂતા હતા ત્યારે એલેકઝાન્ડર નદી કાંઠે પહોંચ્યા. મહાન એલેકઝાન્ડર તરીકે ઓળખાતા સમ્રાટને હું મહાન મર્ખનું નામ પણ આપું છું. કારણ કે તેણે તેનું પોતાનું અને અન્યોનું જીવન વેડફ્યું હતું. માત્ર 16 વર્ષની વયથી યુદ્ધે ચઢેલા એલેકઝાન્ડરે બીજા 16 વર્ષ સુધી યુદ્ધના મેદાનમાં વિતાવી હજારો લોકોને મારીને અડધી દુનિયા જીતી લીધી પરંતુ માત્ર 32 વર્ષની વયે એલેકઝાન્ડર મૃત્યુ પામ્યો ત્યારે તેની હાલત ખરાબ હતી કારણ કે, તેણે અડધી દુનિયા જીતવાની બાકી રહી ગઇ હતી. કોઇ મૂર્ખ જ 16 વર્ષ સુધી સામી લડાઇઓ લડ્યે રાખે.
ઘોડા ઉપર સવાર એલેકઝાન્ડર તેમના શહેનશાહના વસ્ત્રો પરિધાન કરીને નદી કાંઠે પહોંચ્યા ત્યારે ડાયોજીનસ તેમની મસ્તીમાં મસ્ત થઇને રેતીમાં આળોટતા હતા. મહાન એલેકઝાન્ડરે જોરથી બૂમ પાડીને ડાયોજીનસને પ્રશ્ન કર્યે કે હે તુચ્છ પ્રાણી, તેં તારા શરીર ઉપર વસ્ત્ર પણ ધારણ કરેલ નથી. તું જાનવર જેવો છે તું આટલો બધો તરંગી ઊર્મિશીલ કેવી રીતે છે? ડાયોજીનસે એલેકઝાન્ડર સામે જોયું અને પ્રશ્ન કર્યો કે જે પ્રશ્ન શહેનશાહને કોઇએ કર્યો નહીં હોય. ડાયોજીનસે પૂછ્યું કે, હું જેવો છું તેવા બનવું તમને ગમશે? ડાયોજીનસના પ્રશ્નથી એલેકઝાન્ડર સ્તબ્ધ થઇ ગયા. એલેકઝાન્ડરે વળતા જવાબમાં કહ્યું, હા, હું શું કરી શકું? ડાયોજીનસે કહ્યું, આ ઘોડા ઉપર ઉતરી જાઓ, શહેનશાહનાં વસ્ત્રો ઉતારી નાંખો અને વસ્ત્રોને નદીમાં ફેંકી દો. આ નદીનો કાંઠો આપણા બંને માટે પૂરતો છે. હું કશા ઉપર વિજય મેળવવા જતો નથી. તમે ઉપર નદી કાંઠે આળોટી મારા જેવા ઊર્મિશીલ તરંગી બની શકો છો. તમને કોણ અટકાવે છે? એલેકઝાન્ડરે જણાવ્યું કે, હા, મને તમારા જેવા બનવું ગમે છે પરંતુ તમે જે કરો તે કરવાની મારામાં હિંમત નથી.
ઇતિહાસના પુસ્તકોએ તમને શીખવાડ્યું છે કે, એલેકઝાન્ડરનો અર્થ જ હિંમત આમ છતાં એલેકઝાન્ડરે ડાયોજીનસ જે કરતા હતા તે કરવાની હિંમત નહીં હોવાનું કબૂલ્યું હતું. એલેકઝાન્ડરે બીજા જન્મારામાં ડાયોજીનસ જેવું કરવાનું કહી વાતને પાછી ઠેલી પણ કોને ખબર બીજા જન્મારામાં એલેકઝાન્ડર વંદા સ્વરૂપે પણ અવતર્યો હોય. ચોક્કસ સંભાવનાઓ સાથે જ તમને માનવ અવતાર મળ્યો છે. જો તમે આ ઘડીને વેડફીને એમ વિચારો કે બીજા જન્મારામાં કે હવે પછી કરીશ તો કોને ખબર છે કે બીજા જન્મારામાં શું થવાનું છે?
એક ક્ષણ પૂરતા ડાયોજીનસની નજીક સરકેલા એલેકઝાન્ડરે તેના આવેગને પાછો ઠેલ્યો. આ ઘટના પછી એલેકઝાન્ડરનો જુસ્સો ઠંડો પડ્યો અને જીવનના અંત તરફના ભાગે તો યુદ્ધનું જોમ અદૃશ્ય થઇ ગયું, આમ છતાં આદતના જોરે યુદ્ધ લડવાનું ચાલુ રહ્યું. જોકે, એક વખત એલેકઝાન્ડરે તેનો જુસ્સો ગુમાવ્યો તે પછી તેની ઉર્જા પણ ગાયબ થઇ ગઇ. મૃત્યુ પૂર્વે એલેકઝાન્ડરે તેના માણસોને વિચિત્ર સૂચના આપી. તેણે કહ્યું હતું કે, તમે મારા (એલેકઝાન્ડર) માટે કોફીન બનાવો ત્યારે કોફીનની બંને બાજુ બે કાણા રાખજો જેથી મારા બંને હાથ કોફીનની બહાર રહી શકે અને બધાને બતાવી શકાય કે મહાન એલેકઝાન્ડર ખાલી હાથે જ ગયો છે. એલેકઝાન્ડરે તેમના જીવનમાં સમજદારીભર્યું કાંઇ કર્યું હોય તો તે આ બાબત હતી.
તમારે પણ તમારા જીવનમાં કાંઇક સમજદારીભર્યું કરવા માટે છેલ્લી ઘડીની રાહ જોવાની જરૂર નથી. છેલ્લી ઘડીએ ઘણું મોડું થઇ ગયું હોય તેવું પણ બની શકે. જ્યારે બધું જ તમારા હાથમાં હોય અને તમે બધું જ કરી શકતા હો તે જ સાચો સમય છે. જયારે તમારા સાહેબો, સાથીઓ તમારી સાથે હોય, જીવન પણ સાંગોપાંગ પાર ઉતરી રહ્યું હોય ત્યારે જ જીવનને શક્ય તેટલા ઊંડાણપૂર્વક સમજવાનું હોય, નહીં કે તમારી સાથે કે જીવનમાં ખરાબ-ખોટું થઇ રહ્યું હોય કે થવા લાગ્યું હોય ત્યારે. મોટા ભાગના લોકો તેમના જીવનમાં ખરાબ બનવા લાગે કે કોઇ મોટી ખરાબ ઘટના બને ત્યારે જ જીવન તરફ નજર દોડાવતા હોય છે. જ્યારે કાંઇ ખરાબ બનતું હોય, ત્યારે તેને સુધારવાની ઇચ્છા હોય તો પણ જરૂરી ધ્યાન અને ઉર્જાના અભાવે તમે તેવા સુધારા માટે બિનકાર્યદક્ષ બની ગયા હો છો. આથી જ જ્યારે બધું જ સારૂં હોય, સમેસૂતર પાર પડતું હોય ત્યારે જ જીવન તરફ ઊંડાણપૂર્વક નજર માંડી સમજદારી વ્યક્ત કરવાનો સાચો સમય હોય છે.
– Isha Foundation