ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ ખાતેના સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વિરુદ્ધ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરી જાહેર હિતની અરજીને ગુરુવારે ફગાવી દીધી હતી. રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે, રિડેવલેપમેન્ટ દરમિયાન આશ્રમના એક એકરના વિસ્તારમાં કોઈ જ પ્રકારનું કામ નહીં કરવામાં આવે અને ડેવલપમેન્ટ આસપાસની જમીન પર થશે.
સરકારની ખાતરી બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે કહ્યું હતું કે, રાજ્ય સરકારની ખાતરી બાદ અરજી આગળ સાંભળવાની જરૂર નથી અને તેને ફગાવી દેવામાં આવે છે. તુષાર ગાંધીએ હાઈકોર્ટમાં અરજી કરતાં જણાવ્યું હતું કે, રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના કારણે સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગાંધી આશ્રમમાં હાલમાં ચાલતાં કામમાં વિક્ષેપ પડશે. સૂચિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અસંતુલન પેદા કરશે અને ગાંધીજીના આદર્શોને નુકસાન પહોંચાડશે. તેમણે અરજીમાં એક અમ્યુઝમેન્ટ પ્રોજેક્ટને પણ ટાંક્યો અને હાઈકોર્ટને મધ્યસ્થી કરવાની વિનંતી કરી.
સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે, આશ્રમનો એક એકરમાં ફેલાયેલો જે વિસ્તાર છે તેને જેમનો તેમ રાખવામાં આવશે અને કોઈ ફેરફાર નહીં થાય. રિડેવલપમેન્ટના કારણે આશ્રમના ગૌરવમાં વધારો થશે અને રિડેવલપમેન્ટની કામગીરી ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરીના આધારે જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં આશ્રમની આસપાસના 55 એકરના વિસ્તારને ડેવલપ કરવામાં આવશે.