રવિવારે રાત્રે ગુવાહાટીમાં મોડી રાત્રે ઝંઝાવાતી બેટિંગના જાણે સૂર્યકુમાર યાદવરૂપે ક્રિકેટપ્રેમીઓ માટે બીજો સૂર્ય ઉગ્યો હતો અને ભારતે બીજી ટી-20માં 16 રને વિજય સાથે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે સૌપ્રથમવાર શ્રેણીમાં વિજયની ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી. ત્રણ ટી-20ની સીરીજમાં પહેલી બન્ને મેચમાં વિજય સાથે ભારતે 2-0ની સરસાઈ મેળવી છે. હવે ત્રીજી મેચ મંગળવારે રમાવાની છે, પણ શ્રેણી અંકે કરી લઈ રેકોર્ડ તો કરી જ નાખ્યો છે.
ભારતે રવિવારે ગુવાહાટીમાં પહેલા ઓપનર કે. એલ. રાહુલની તોફાની બેટિંગ અને એ પછી સૂર્યકુમારના ઝંઝાવાત સાથે 20 ઓવરમાં ત્રણ વિકેટે 237 રનનો જંગી જુમલો ખડકી દીધો હતો. પ્રવાસી ટીમના સુકાની બાવુમાએ ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું અને રાહુલ તથા સુકાની રોહિત શર્માએ આક્રમક શરૂઆત સાથે છઠ્ઠી ઓવરમાં તો 50 રન કરી નાખ્યા હતા. રાહુલ વધારે આક્રમક હતો, તેણે કુલ 28 બોલમાં ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 57 રન ફટકારી જંગી સ્કોરનો પાયો નાખ્યો હતો. રોહિત 37 બોલમાં 43 રન કરી 96 રનની ઓપનિંગ ભાગીદારી પછી વિદાય થયો હતો. ત્યારબાર થોડીવારમાં રાહુલ પણ વિદાય થયો હતો અને કોહલી – સૂર્યકુમારની જોડીએ મોરચો સંભાળી લીધો હતો. કોહલી જો કે શરૂઆતમાં ધીમો હતો, પણ સૂર્યકુમાર તો શરૂઆતથી જ તોફાની મૂડમાં હતો. તેણે 277 રનના સ્ટ્રાઈક રેટ સાથે ફક્ત 22 બોલમાં 61 રન ખડકી દીધા હતા, જેમાં પાંચ છગ્ગા અને પાંચ ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તે કમનસીબ રીતે રનઆઉટ ના થયો હોત તો કોઈ બોલર તેને આઉટ કરી શકે તેવું લાગતું નહોતું. તેની વિદાય પછી આવેલા દિનેશ કાર્તિકે આખી છેલ્લી ઓવર ખેંચી નાખતા કોહલી 49 રને અણનમ રહ્યો હતો, ફક્ત એક રનથી અડધી સદી ચૂકી ગયો હતો. કાર્તિકે 7 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે 17 રન કર્યા હતા.
જવાબમાં સાઉથ આફ્રિકાની શરૂઆત તો ખૂબજ નબળી રહી હતી, દીપક ચાહરે પહેલી ઓવર મેઈડન કરી હતી, તો અર્શદીપે તેની પહેલી ઓવરમાં બે વિકેટ ખેરવી હતી, બન્ને બેટર – સુકાની ઓપનર ટેમ્બા બાવુમા અને રાઈલી રોસોઉ શૂન્ય રને જ વિદાય થયા હતા. પણ ક્વિન્ટન ડીકોકે એક છેડો મક્કમતાથી સાચવી રાખ્યો હતો, તો ડેવિડ મિલરે આક્રમક બેટિંગ સાથે 47 બોલમાં અણનમ 106 કર્યા હતા. ડીકોક 48 બોલમાં 69 કરી અણનમ રહ્યો હતો, પણ એકંદરે સાઉથ આફ્રિકા 3 વિકેટે 221 સુધી જ પહોંચી શક્યું હતું, ખૂબજ મક્કમ વળતી લડત છતાં 16 રને તેનો પરાજય થયો હતો. ભારત તરફથી દીપક ચાહરે ચાર ઓવરમાં ફક્ત 24 રન આપ્યા હતા, જો કે તેને એકેય વિકેટ નહોતી મળી. સૌથી સફળ અર્શદીપ સિંઘે ચાર ઓવરમાં સૌથી વધુ 62 રન આપી બે વિકેટ લીધી હતી. ત્રીજી એઈડન માર્ક્રમની વિકેટ લેનારા અક્ષર પટેલે પણ ચાર ઓવરમાં 53 રન આપ્યા હતા. રાહુલને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
આ મેચમાં એક ઉત્તેજનાસભર ઘટના સહિત બે કિસ્સામાં મેચ થોડી થોડી વાર માટે અટકાવવી પડી હતી. ભારતની બેટિંગ વખતે સાત ઓવર પુરી થઈ ત્યારે અચાનક મેદાન ઉપર સાપ નિકળ્યો હતો, જે સાઉથ આફ્રિકાના વેઈન પાર્નેલે જોયો હતો. એ વખતે મેચ અટકાવી દેવાઈ હતી અને સાપને પકડીને બહાર કઢાયો પછી મેચ ફરી શરૂ થઈ હતી.
એ પછી સા. આફ્રિકાની ઈનિંગમાં ત્રણ ઓવર પુરી થઈ ત્યારે અચાનક ફલડ લાઈટ્સ બંધ થઈ જતાં ફરી લગભગ 10 મિનિટ મેચ અટકાવવી પડી હતી.
પ્રથમ ટી-20માં ભારતનો 8 વિકેટે વિજયઃ થિરૂવનંથપુરમમાં બુધવારે (28 સપ્ટેમ્બર) રમાયેલી પ્રથમ ટી-20માં પણ અર્શદીપ સિંઘની વેધક બોલિંગ તેમજ કે. એલ. રાહુલ અને સૂર્યકુમાર યાદવની બેટિંગ સામે પ્રવાસી ટીમ નબળી સાબિત થઈ હતી અને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી ફક્ત 106 રન કરી શકી હતી. જવાબમાં ભારતે પણ ખાસ ઝડપી નહીં છતાં મક્કમ બેટિંગ દ્વારા 17મી ઓવરમાં ફક્ત બે વિકેટ ગુમાવી 110 રન કરી વિજય નોંધાવ્યો હતો.
સા. આફ્રિકાની ઈનિંગમાં ચાર બેટ્સમેન ખાતુ ખોલાવી શક્યા નહોતા, તો બીજા ત્રણ ફક્ત એક આંકડામાં જ રહ્યા હતા. માર્ક્રમે 25, પાર્નેલે 24 અને કેશવ મહારાજે 41 રન કર્યા હતા. અર્શદીપ સૌથી મોંધો રહ્યો હતો, તેણે ચાર ઓવરમાં 32 રન આપી ત્રણ વિકેટ લીધી હતી, તો દીપક ચાહર અને હર્ષલ પટેલે 2-2 તથા અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.
ભારત તરફથી રાહુલે અણનમ રહી ધીમા છતાં મહત્ત્વના 51 રન કર્યા હતા, તો સૂર્યકુમારે આક્રમક 50 કર્યા હતા અને બન્ને અણનમ રહ્યા હતા. રોહિત શર્મા શૂન્ય અને વિરાટ કોહલી ત્રણ રને – સસ્તામાં આઉટ થયા હતા. અર્શદીપને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.