દક્ષિણ આફ્રિકાના કૌટુંબિક અથવા વ્યવસાયિક પ્રવાસે ગયેલા સેંકડો વિદેશીઓએ તેમના દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોના કારણે અટવાયા હતા. લોકોએ છેલ્લી ઉપલબ્ધ ફ્લાઇટ્સમાં ઘરે પાછા જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બધા સફળ થઇ શક્યા ન હતા.
યુકેએ જાહેરાત કરી હતી કે 26ને શુક્રવારે બપોરથી દક્ષિણ આફ્રિકા અને પાંચ પડોશી દેશોની તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અન્ય ઘણા દેશોએ તેનું અનુસરણ કર્યું હતું. મોટાભાગના દેશોએ ફક્ત પોતાના નાગરિકોને જ પાછા મંજૂરી આપવામાં આવશે અને તેમણે આઇસોલેટ થવું પડશે તેવી જાહેરાત કરી હતી.
ભારત સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનાથી આવતા અથવા પસાર થતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સખત સ્ક્રીનીંગ અને પરીક્ષણ કરવા જણાવ્યું હતું. શુક્રવારે ભારત સરકારે એરલાઇન્સને 15 ડિસેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાના વચ્ચે તેમની પૂર્વ-કોવિડ નિર્ધારિત પેસેન્જર ફ્લાઇટ્સમાંથી 50 ટકાને સંચાલન કરવાની મંજૂરી આપી હતી.
દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાના સાથે ભારતની વિશેષ પેસેન્જર ફ્લાઇટ્સને મંજૂરી આપતી એર બબલ વ્યવસ્થા નથી. ઉપરાંત, આ ત્રણ દેશોને ભારતના આરોગ્ય મંત્રાલય દ્વારા “જોખમ પર”ની શ્રેણી હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
મુસાફરી પરના પ્રતિબંધો પર પ્રતિક્રિયા આપતા, દક્ષિણ આફ્રિકાના આરોગ્ય પ્રધાન જો ફાહલાએ જણાવ્યું હતું કે ‘’દક્ષિણ આફ્રિકા પરના પ્રવાસ પ્રતિબંધો આ સમયે ગેરવાજબી છે. હું ખાસ કરીને યુરોપ, યુકે અને અન્ય સંખ્યાબંધ દેશોની પ્રતિક્રિયાનો ઉલ્લેખ કરી રહ્યો છું. યુરોપિયન કમિશનના સંખ્યાબંધ દેશો પણ સમાન પ્રતિક્રિયા પર વિચાર કરી રહ્યા છે.”
આ પ્રતિબંધોથી દક્ષિણ આફ્રિકાના પર્યટન અને કૌટુંબિક મુલાકાત ક્ષેત્રોમાં સૌથી મોટું, ખાસ કરીને સખત ફટકો પડ્યો હતો.
જો’બર્ગ એરપોર્ટ પર ભારતીય મૂળના એક વ્યક્તિ અબ્દુલ પટેલે જણાવ્યું હતું કે ‘’મારી પાસે સોમવારે દુબઈ થઈને મુંબઈ પરત ફરવાની ટિકિટ હતી. પરંતુ હું તેને અગાઉ ઉપડતી ફ્લાઈટમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી નહોતી. મને ખબર નથી કે ભારતને પણ અસર થશે કે કેમ, પરંતુ સુરતનો મારો પરિવાર મને મુંબઈમાં મળશે.”
એક એરલાઇન કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સપ્તાહના અંતે વધુ દબાણની અપેક્ષા છે કારણ કે હજુ પણ વધુ દેશોએ ફ્લાઇટ્સ રદ કરી છે.”