81 વર્ષ પહેલા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હિંદ મહાસાગરમાં જાપાની નૌકાદળ દ્વારા બે વખત ટોર્પિડો માર્યા પછી ડૂબી ગયેલા પેસેન્જર-કાર્ગો જહાજ, એસએસ તિલાવામાંથી બચી ગયેલા લોકો અને તેમના વંશજોના એક મિલન સમારોહનું આયોજન લંડનના ગ્રેનીચમાં નેશનલ મેરીટાઇમ મ્યુઝિયમમાં યોજાયું હતું.
સમગ્ર વિશ્વમાંથી લગભગ 140 લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ દુર્ઘટનાને સત્તાવાર રીતે સ્વીકારવા માટે બ્રિટિશ ધરતી પર પ્રથમ સ્મારક તરીકે ચિહ્નિત કર્યું હતું.
રોયલ બરો ઓફ ગ્રેનીચના મેયર ડોમિનિક મ્બાંગ, લેસ્ટર ઇસ્ટના પૂર્વ સાંસદ કીથ વાઝ, કાઉન્સિલર મંજુ શાહુલ-હમીદ અને લક્ષન સલદિન, ભારતીય કલાકાર નવીન કુન્દ્રા અને તેમના પત્ની અને ધ એપ્રેન્ટિસ સ્પર્ધક જાસ્મીન કુન્દ્રાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આયોજકો દ્વારા દાવો કરાય છે કે જાણીતું મહેતા ગ્રુપ પણ એસએસ તિલાવા સાથે જોડાયેલા છે. 1942 માં જ્યારે માધવાણી પરિવાર HMS બર્મિંગહામ દ્વારા કરવામાં આવેલા બચાવ મિશનને પગલે બોમ્બે પાછો આવ્યો ત્યારે સ્વર્ગસ્થ શ્રી નાનજી કાલિદાસ મહેતાના પરિવારે મદદ કરી હતી.
20 નવેમ્બર, 1942 ના રોજ તિલાવા જહાજ ચાર ગનર્સ, 222 ક્રૂ સભ્યો, મોટાભાગે આફ્રિકામાં સ્થળાંતર કરી રહેલા 732 ભારતીયો, 60 ટન ચાંદી અને 6,000 ટન કાર્ગો સાથે મુંબઈથી ડરબન માટે રવાના થયું હતું. તા. 23 નવેમ્બરના રોજ સેશેલ્સના ઉત્તર-પૂર્વમાં લગભગ 930 માઇલ દૂર જાપાની સબમરીન I-29 દ્વારા હુમલો કરાતા તે ડૂબી ગયું હતું. એચએમએસ બર્મિંગહામ અને એસએસ કાર્થેજે 678 લોકોને બચાવ્યા હતા પણ અન્ય 280 લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.
તિલાવા 1942 હેરિટેજ પ્રોડક્શન્સના સ્થાપક એમિલ સોલંકીએ લંડનમાં સ્મારક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમના પિતા મુકેશભાઇ અને તેઓ ગુમ થયેલા મુસાફર નિચ્છભાઈ છીબાભાઈ સોલંકીના વંશજ છે. બંનેએ “ભૂલાઇ ગયેલી દુર્ઘટના” પર વધુ સંશોધન કરવાની હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં હાજરી આપનારાઓમાં માતા-પિતા અને ત્રણ ભાઈ-બહેન ગુમાવનાર ગોઅન મૂળના લંડન સ્થિત મર્વિન મેસીયલ, બચી ગયેલા તેજપ્રકાશ મંગત (ઉ.વ. 90 ઓહાયો) અને અરવિંદભાઈ જાની, (ઉ.વ. 84 સાઉથ લંડન) ઉપસ્થિત રહ્યા હતા. મંગતે નવ વર્ષની વયે માતા અને ત્રણ ભાઈઓને આપત્તિમાં ગુમાવ્યા હતા. જ્યારે જાની ત્રણ વર્ષના હતા.
એમિલ સોલંકીએ કહ્યું હતું કે “બચી ગયેલા લોકો 1942માં એકબીજાને અંગત રીતે ઓળખતા ન હતા પણ 81 વર્ષ પછી તેમને એક જ રૂમમાં સાથે જોવા એ ભાવુક હતું. લંડનના ગુજરાતી દરજી કોમ્યુનિટીના પ્રમુખ પ્રવિણ જીવને તેમના બચી ગયેલા સ્વર્ગસ્થ પિતા મોરારભાઇની વાર્તા શેર કરી હતી. જેમણે તરાપા પરના લગભગ 20 લોકોને બચાવવામાં મદદ કરી હતી.
આ માટે સોલંકી પરિવારે tilawa1942.com ની સ્થાપના કરી છે અને 2022 માં મુંબઈમાં પ્રથમ સ્મૃતિ સમારોહનું આયોજન કર્યું હતું. તેઓ ડરબનમાં ત્રીજો સ્મારક કાર્યક્રમ યોજવા દક્ષિણ આફ્રિકામાં એસએસ તિલાવા ફાઉન્ડેશન સાથે સહયોગ કરવા માંગે છે.
જહાજ સાથે ડૂબી ગયેલા £37.35 મિલિયનના ચાંદીના બારની માલિકી બાબતે યુકેની સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.