બ્રિટિશ વિદેશ પ્રધાન જેમ્સે ક્લેવરલીએ બુધવાર (પહેલી માર્ચે) દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે બીબીસી પરની ટેક્સ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે જયશંકરે તેમના યુકે સમકક્ષને “દ્રઢપણે કહ્યું” કે ભારતમાં કાર્યરત તમામ સંસ્થાઓએ ભારતના કાયદાનું પાલન કરવું પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર યુકેના વિદેશ પ્રધાને કહેવામાં આવ્યું હતું કે, “ભારતમાં કાર્યરત તમામ સંસ્થાઓએ સંબંધિત કાયદાઓ અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પડશે.”
ગયા મહિને ભારતના આવકવેરા વિભાગે કર ચૂકવણીમાં ગેરરીતિઓના આરોપોને લઈને ત્રણ દિવસ સુધી દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસની તપાસ કરી હતી. ટેક્સ સરવે દરમિયાન બીબીસીના વરિષ્ઠ સ્ટાફે પ્રશ્નોના જવાબ આપવા માટે રાતવાસો કરવો પડ્યો હતો.
બ્રિટિશ પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટરે 2002ના સાંપ્રદાયિક રમખાણો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના નેતૃત્વની ટીકા કરતી ડોક્યુમેન્ટરી પ્રસારિત કર્યાના અઠવાડિયા પછી આ ટેક્સ કાર્યવાહી થઈ હતી.
સરવે પૂર્ણ કર્યા પછી, ટેક્સ વિભાગે દાવો કર્યો હતો કે “કેટલાક પુરાવા” મળ્યા છે જે દર્શાવે છે કે “બીબીસીના વિદેશી એકમોએ ભારતમાં આવક તરીકે જાહેર કરાયેલા અમુક રેમિટન્સ પર ટેક્સ ચુકવ્યો નથી”.
આના થોડા દિવસે પછી બ્રિટિશ સરકારે બીબીસી અને તેની સંપાદકીય સ્વતંત્રતાનો મજબૂત બચાવ કર્યો હતો.