(PTI Photo/Shahbaz Khan)

વિદેશ પ્રધાન તરીકે બીજી મુદત માટે કાર્યભાર સંભાળતા પહેલા એસ જયશંકરે મંગળવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારની ત્રીજી ટર્મમાં ચીન સાથેના સરહદી મુદ્દાઓ અને વર્ષો જૂના સીમાપારના આતંકવાદ સાથેના પ્રશ્નોનું સમાધાન શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

જયશંકરે જણાવ્યું હતું કે “કોઈપણ દેશમાં અને ખાસ કરીને લોકશાહીમાં, સરકાર માટે સતત ત્રણ વખત ચૂંટાઈ આવવું એ ખૂબ મોટી વાત છે. તેથી વિશ્વને ચોક્કસપણે લાગશે કે આજે ભારતમાં ઘણી રાજકીય સ્થિરતા છે.”

ચીન અને પાકિસ્તાનના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો અલગ છે, અને ત્યાંની સમસ્યાઓ પણ અલગ છે. ચીનના સંદર્ભમાં અમારું ધ્યાન સરહદી મુદ્દાઓનું સમાધાન શોધવા પર રહેશે અને પાકિસ્તાન સાથે અમે વર્ષો જૂના સરહદ પારના આતંકવાદના મુદ્દાનો ઉકેલ ઈચ્છીએ છીએ. જયશંકરે ઉમેર્યું હતું કે PM મોદીની આગેવાની હેઠળની NDA સરકારનો ત્રીજો કાર્યકાળ દેશને ખૂબ જ અશાંત અને વિભાજિત વિશ્વમાં ‘વિશ્વબંધુ’ તરીકે સ્થાન આપશે.

મે 2019માં એસ જયશંકર ભારતના વિદેશ પ્રધાન બન્યા, ત્યારે વિદેશ નીતિ પર તેમની નિર્વિવાદ નિપુણતા હોવા છતાં તેઓ મોટાભાગે પોલિટકલ લાઇટવેઇટ ગણાતા હતા. છેલ્લાં પાંચ વર્ષોમાં તેમણે માત્ર આ ધારણાને દૂર કરી નથી, પરંતુ એક નવી અને આક્રમક વિદેશ નીતિને આકાર આપીને પોતાને સ્થાપિત કર્યાં છે.

69 વર્ષીય જયશંકર ચાર દાયકા સુધીની રાજદ્વારી કારકિર્દી ધરાવે છે. અસાધારણ તીક્ષ્ણતા અને કાર્યક્ષમતા માટે જાણીતા, વિદેશ પ્રધાને ભારતની અંદર, ખાસ કરીને યુવાનો તરફથી ભારતની વિદેશ નીતિની પ્રાથમિકતાઓના નિર્ણાયક અભિવ્યક્તિ માટે પ્રશંસા મેળવી છે. જાહેર ભાષણો અને ઇન્ટરવ્યુના તેમના કેટલાક વીડિયો વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય બન્યા છે.

યુક્રેનમાં યુદ્ધના પગલે પશ્ચિમી દેશોના નિયંત્રણો હોવા છતાં તેમણે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદીમાં મહત્ત્વની ભૂમિકા ભજવીને ભારતની જનતાને ફુગાવામાં રાહત અપાવી હતી.

જયશંકર 1977માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા. તેમણે મોદી સરકારના પ્રથમ કાર્યકાળ (2015-18) દરમિયાન ભારતના વિદેશ સચિવ તરીકે સેવા આપી હતી. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ (2013-15), ચીન (2009-2013) અને ચેક રિપબ્લિક (2000-2004)માં રાજદૂત પણ રહી ચુક્યા છે. તેઓ સિંગાપોરમાં ભારતના હાઈ કમિશનર (2007-2009) હતા.

 

LEAVE A REPLY