પોતાના સભ્ય દેશોને શરણાર્થીઓને રાખવા અથવા જો તેઓ તેમને સ્વીકારવાનો ઇનકાર કરે તો દરેક એસાયલમ સીકર દીઠ 20,000 યુરો ચૂકવવાનું ફરમાન બહાર પાડનાર યુરોપિયન યુનિયન સામે પોલેન્ડે બાંયો ચઢાવી છે. પોલેન્ડના વડા પ્રધાન મેટ્યુઝ મોરાવીકીએ યુરોપિયન યુનિયન સ્કીમ સામે વીટો કરવા માટે રાષ્ટ્રીય લોકમત યોજવાની ધમકી આપી છે. યુરોપના આઠ સભ્ય દેશો ઇમિગ્રેશનને નિયંત્રિત કરવા માટે સમાન ‘ઇનોવેટિવ’ અભિગમ ઇચ્છે છે.
ફ્રાંસમાં થયેલા તાજેતરના તોફાનો અને વધતા જતા ઇમીગ્રેશન અને તેને પગલે વધેલી ગુનાખોરીને જોઇને ડરી ગયેલા ઇયુના આઠ સભ્ય દેશોએ બ્રિટને લાગુ કરેલા રવાન્ડા શૈલીના ડીલ જેવું ડીલ કરવા માંગણી ઇયુ કમિશન પાસે માંગણી કરી છે.
ગેરકાયદેસર સ્થળાંતર ઘટાડવા માટે બ્રસેલ્સ ખાતેની સમિટમાં, ડેનમાર્ક, ગ્રીસ અને ઑસ્ટ્રિયા સહિતના દેશોના નેતાઓએ બ્રિટનની રવાન્ડા નીતિ જેવો અભિગમ અપનાવવા બ્લોકને પત્ર લખી વિનંતી કરી છે. આ પગલું નોંધપાત્ર સંખ્યામાં ઇયુ સભ્ય દેશોમાં વધતી જતી ચિંતાને પ્રતિબિંબિત કરે છે અને વર્તમાન નીતિ નિષ્ફળ રહી છે તે સાબિત કરે છે.
પત્રમાં જણાવ્યું હતું કે, “અનિયમિત ઇમીગ્રેશનનો સામનો કરવા અને વસાહતીઓના પ્રવાહને રોકવા માટે નવા ઉકેલો અને નવીન રીતો શોધવા માટે આપણે ખુલ્લા હોવા જોઈએ, જેમાં ભાગીદાર દેશો સાથેના નવા અને અસરકારક અભિગમો પર ધ્યાન આપવું જોઈએ.”
આ માંગ કરનાર કટ્ટરપંથી દેશોને નેધરલેન્ડ, ઇટાલી, પોલેન્ડ અને હંગેરી સહિતના અન્ય દેશો તરફથી વ્યાપક રાજકીય સમર્થન હોવાનું માનવામાં આવે છે. સમગ્ર યુરોપમાં દાખલ થતી આશ્રય માંગનારાઓની અરજીઓમાંથી અડધાથી વધુ – અને કેટલાક દેશોમાં તો 80 ટકા સુધી પાયાવિહોણા ગણીને નકારી કાઢવામાં આવે છે. પરંતુ તેમાંથી 66 ટકા લોકો પોતાના દેશ પરત થતા નથી.
EUની એસાયલમ પોલીસીને નાપસંદ કરતા ડેનમાર્કે અગાઉ રવાન્ડા સાથે સોદો કર્યો હતો પરંતુ ગયા વર્ષે ચૂંટણી પછી વધુ કેન્દ્રવાદી સરકાર પરત ફર્યા પછી, અન્ય દેશોને તેમાં જોડાવા માટે દબાણ કરવા માટે નિર્ણય લીધો છે.
યુરોપીયન કમિશન આ પ્રવાહને રોકવા ટ્યુનિશિયા સાથે સોદો કરવા માંગે છે પણ ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિ સૈયદ કોઈપણ સોદા માટે €1 બિલિયનથી વધુની રોકડની માંગ કરી રહ્યા છે. હાલમાં પોલેન્ડ અને હંગેરીએ શરણાર્થીઓને સ્વીકારવાનો અને માથાદીઠ 20,000 યુરો ચૂકવવાનો ઇનકાર કર્યો છે.