એસાયલમ સિકર્સને રવાન્ડા મોકલી આપવા માટેના ધ સેફ્ટી ઓફ રવાન્ડા (એસાયલમ એન્ડ ઇમીગ્રેશન) બિલને તા. 12ને મંગળવારે રાત્રે પાર્લામેન્ટમાં બહુમતીથી પસાર કરાવવામાં સરકારને સફળતા મળી હતી. છેલ્લી ત્રણ ટર્મથી દેશની સત્તાનું સુકાન સંભાળનાર કોન્ઝર્વેટીવ પાર્ટીમાં વ્યાપેલી બળવાખોરી અને આંતરિક વિખવાદે આગામી મહિનાઓમાં સરકારનું પતન નોંતરે એવી ભયાનક સ્થિતીનું નિર્માણ કર્યું છે. જો પાર્ટીમાંના વિખવાદનો તાકીદે અંત નહિં આવે અને સૌ સાંસદો કન્ઝર્વેટીવ પાર્ટીને સાનુકુળ હોય તેવી સ્થિતી બને તેની રાહ નહિં જુએ તો સરકારને વિખેરી નાંખીને વડા પ્રધાન ઋષિ સુનકની આગેવાની હેઠળ આગામી ચૂંટણીનું એલાન થઇ શકે છે.
તમામ 350 કન્ઝર્વેટિવ સાંસદોને પાર્ટી મેનેજમેન્ટના પ્રભારીઓએ તેમનું સમર્થન આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ લગભગ 40 સાસદે મતદાન કર્યું ન હોવાનું નોંધવામાં આવ્યું છે. આ બિલ 269ના મુકાબલે 313 વોટથી પસાર થયું હતું.
‘ગરવી ગુજરાત’ સાથે વાત કરતા એક અગ્રણી બેકબેન્ચર કન્ઝર્વેટીવ એમપીએ ટોરી રાજકારણીઓને ચેતવણી આપી છે કે તેઓ ક્યાં તો “એકજૂટ થઇને રહે અથવા મૃત્યુ પામવાના” નિર્ણયનો સામનો કરે. રવાન્ડા બિલ એ ટોરી પાર્ટીના રાઇટ વિંગ સભ્યો માટે સુનકને પછાડવાની એક યુક્તિ હતી. તેઓ સમસ્યાને વાસ્તવમાં ઠીક કરવાને બદલે મૂળભૂત રીતે કેસને યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સમાં છોડવા માટે ટ્રોજન હોર્સ તરીકે રવાંડા બિલની સલામતીનો ઉપયોગ કરી રહ્યા છે.’’
“બોટ્સ અટકાવવા”નું વચન સુનકે આપેલા પાંચ મુખ્ય વચનોમાંનું એક હતું અને તેથી જ નાની બોટોમાં બેસીને દેશમાં ધુસી આવતા એસાયલમ સિકર્સને રવાન્ડા મોકલી આપવાની યોજનાને મજબૂતી આપવા માટે વડા પ્રધાન ઋષિ સુનકે સજ્જડ વલણ અપનાવ્યું છે. તા. 12ને મંગળવારે રાત્રે પાર્લામેન્ટમાં મૂકવામાં આવનારા ધ સેફ્ટી ઓફ રવાન્ડા (એસાયલમ એન્ડ ઇમીગ્રેશન) બિલને સફળતા મળે તે માટે સુનકે મંગળવારે સવારે ટોરી બળવાખોરો સાથે બેઠક કરી હતી. બીજી તરફ યોજનાને વધુ કડક બનાવવાની હાકલ સાથે પાર્ટી વ્હિપ્સ દ્વારા એમપીઝને તેમની ટ્રીપ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એમપીઓને વ્હીપ આપી સંદેશ વહેતો કરાયો હતો કે આ બિલની નિષ્ફળતા સરકારનું પતન લાવશે અને તાત્કાલિક ચુંટણી લાવશે. જેમાં ટોરીની હાર થઇ શકે છે. આગામી વર્ષમાં યોજાનારી ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બની શકે તેવા ઈમિગ્રેશનના રેકોર્ડ સ્તરને ઘટાડવાની સરકારી યોજનાને પાર પાડવા સરકાર આ કાયદો લાવવા આતુંર છે.
રવાન્ડા બિલ પાસ કરાવ્યા બાદ આગામી સમયમાં તેને હાઉસ ઓફ લોર્ડમાં પાસ કરાવવાનું તેને ભારે પડશે અને ત્યારે કન્ઝર્વેટીવ પાર્ટીનો વિખવાદ ચરમ સીમાએ પહોંચશે એમ જણાય છે.
રાઇટ વિંગના બળવાને દૂર કરવા માટે ઝઝૂમી રહેલા વડા પ્રધાન સુનક તેમની પ્રીમિયરશિપની અત્યાર સુધીની સૌથી મોટી કસોટીનો સામનો કરી રહ્યા છે. તેઓ એસાયલમ સિકર્સને દેશની બહાર કાઢી શકાય તે માટે રવાન્ડા યોજનાને પુનર્જીવિત કરવા માટેના કાયદાને કડક બનાવવાની માંગ કરી રહ્યા છે. આ માટે તા. 12ની સવારે ઋષિ સુનકે ટોરી બળવાખોરો સાથે નંબર 10 ખાતે ઇમરજન્સી વાટાઘાટો કરી તેમની રવાન્ડાની યોજનાને નષ્ટ ન કરવા વિનંતી કરી હતી. આ ચર્ચા પછી, શ્રી સુનકે સોશિયલ મીડિયા પર આગ્રહ કર્યો છે કે તેમની પાર્ટીએ ‘આ બિલનું સમર્થન કરવું જોઈએ’.
ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓ ડેમ પ્રીતિ પટેલ, બેન વોલેસ અને ડેવિડ ડેવિસને મતદાન વખતે હાજર રહેવા તાકિદ કરાઇ છે. ડાઉનિંગ સ્ટ્રીટ આ અરાજકતાને કાબૂમાં લેવા માટે સખત પ્રયાસ કરી રહી છે અને સખત સંદેશ આપવામાં આવ્યો છે કે સુનકની હાર સરકારનું પતન કરી શકે છે અને સામાન્ય ચૂંટણી માટે દબાણ કરી શકે છે.
ડાઉનિંગ સ્ટ્રીટમાં એક કલાક ચાલેલી બ્રેકફાસ્ટ મીટમાં જોડાયેલા એમપીઝમાં કન્ઝર્વેટિવના ડેપ્યુટી ચેરમેન લી એન્ડરસન, મિરિયમ કેટ્સ, ડેની ક્રુગર, નીલ ઓ’બ્રાયન, માર્કો લોન્ગી, જિલ મોર્ટિમર, લિયા નિકી અને એલેક્ઝાન્ડર સ્ટેફોર્ડ મુખ્ય હતા.
નંબર 10 ભારપૂર્વક જણાવે છે કે આ બિલને વિગતવાર ધ્યાન આપીને તૈયાર કરવામાં આવ્યું છે અને બિલમાં સુધારાની સંભાવના નથી. આ બિલ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યા વિના શક્ય તેટલું આગળ વધશે અને સુયોગ્ય રીતે કામ કરશે. જો કે ટીકાકારો ચેતવણી આપે છે કે આ ફ્લેગશિપ બિલને ઠીક કરવા માટે હજુ પણ ‘મોટી સર્જરી’ની જરૂર છે. બળવાખોરો પણ કહે છે કે જો આ કાયદો પસાર થઈ જશે તો પણ સુનકને પછીના તબક્કામાં સુધારા સાથે તેને સખત બનાવવાના પ્રયાસોનો સામનો કરવો પડશે અને તેને હાઉસ ઓફ લોર્ડ્સમાં વિરોધનો સામનો કરવો પડશે.
ન્યૂ કન્ઝર્વેટિવ્સ જૂથ “મોટી સર્જરી અથવા રિપ્લેસમેન્ટ” માટે જરૂરી બિલનો આગ્રહ રાખે છે. તેના 40થી વધુ સભ્યો સોમવારે સાંજે કેવી રીતે મતદાન કરવું તેની ચર્ચા કરવા માટે મળ્યા હતા અને ઘણાએ બિલની વિરૂદ્ધમાં દૂર રહેવા અથવા મત આપવાનું આયોજન કર્યું છે. સૈદ્ધાંતિક રીતે જો 29 ટોરી સાસંદો બિલની વિરૂધ્ધમાં મત આપી લેબર સાથે જોડાશે અથવા 57 સાસંદો મતદાનથી દૂર રહેશે તો તે વડા પ્રધાનની યોજનાને નિષ્ફળ કરવા માટે પૂરતું હશે.
1986 પછી આ પ્રથમ વખત બન્યું છે કે આ સરકારી બિલને બીજી વાર રીડીંગ મળ્યું નથી, સામાન્ય રીતે સુધારા લાવવામાં આવે તે પહેલાં સામાન્ય રીતે ઔપચારિકતા છે.
ડેઇલી મેલમાં કોલમ લખતાં ભૂતપૂર્વ હોમ સેક્રેટરી ડેમ પ્રીતિ પટેલે સાથી રાઇટ વિંગર્સને કાયદાને સફળ બનાવવા અને લેબરને લડત આપવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આજે તમામ સાંસદોએ યા તો લોકોના જીવનને જોખમમાં મૂકી આપણી એસાયલમ સીસ્ટમ પર દબાણ લાવતી દુષ્ટ લોકોની ટોળકીને મદદ કરવાનું ચાલુ રાખવું જોઇએ અથવા તો બિલની તરફેણમાં મત આપી સુધારાઓ માટે સરકાર સાથે કામ કરી ગેરકાયદે સ્થળાંતરનો સામનો કરવા બિલ અમલમાં આવે તેની ખાતરી કરવી જોઇએ. હવે કન્ઝર્વેટિવ્સ માટે ‘સામૂહિક રીતે કામ કરવાનો’ અને બ્રિટિશ જનતા માટે ‘સાચું કામ કરવાનો’ સમય છે.
ભૂતપૂર્વ ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસે ટેલિગ્રાફમાં લખીને બળવાખોરોને ચેતવણી આપી હતી કે તેઓ બિલની વિરુદ્ધ મતદાન કરીને સરકારને ‘બરબાદ’ ન કરે. તો અન્ય ભૂતપૂર્વ કેબિનેટ સાથીદાર, જ્યોફ્રી કોક્સે બીબીસીને કહ્યું હતું કે આ બિલ એક મોટી સમસ્યાના ઉકેલની શરૂઆત છે.
લોર્ડ ગાર્નિયર એડવર્ડે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે ‘’ટોરી સાંસદો બિલની વિરુદ્ધ મત આપશે તો તેઓ “રાજકીય રીતે મૂર્ખ” કહેવાશે. જો સરકાર તેને કાયદો બનાવી નહિં શકે તો આગામી ચુંટણીમાં કહેશે કે ‘આ બધું ખૂબ મુશ્કેલ છે’ અને તે હાઉસ ઓફ લોર્ડ્સ તથા લેફ્ટી વકીલોને દોષીત ઠેરવશે તથા કહેશે કે ‘અમે અમારી રીતે શ્રેષ્ઠ કર્યું પરંતુ અમારી સામેની શક્તિઓ ખૂબ શક્તિશાળી હતી. ઋષિ સુનક ખૂબ સારા વડાપ્રધાન છે. તેઓ સખત મહેનત કરે છે. તેઓ બાબતો સમજે છે અને નિર્ણય લઈ શકે છે.’’
કન્ઝર્વેટિવ સાંસદ સાઇમન ક્લાર્ક દલીલ કરે છે કે “અમે માનીએ છીએ કે અહીં શ્રેષ્ઠ ઉકેલ એ છે કે આપણે આજે કાયદાને રોકવો જોઈએ અને નવા બિલ સાથે પાછા આવવું જોઈએ.”
લગભગ 40 વર્ષમાં પ્રથમ વખત યુકેના પીએમને સરકારી બિલના પ્રારંભિક તબક્કે વોટ પર હારનો સામનો કરવો પડે તેવી શક્યતા સર્જાઇ છે. સરકારની નીતિનો ઉદ્દેશ્ય સ્થળાંતર કરનારાઓને ઇંગ્લિશ ચેનલ પાર કરતા અટકાવવાનો છે અને 2024માં સામાન્ય ચૂંટણી પહેલા સુનકની તે ટોચની પ્રાથમિકતાઓમાંની એક “બોટ રોકવા”ની યોજના છે.
લેબર લીડર કેર સ્ટાર્મરે રવાન્ડા સ્કીમને કરદાતાના £290 મિલિયનનો ખર્ચ બાદ પણ અસફળ બતાવી છે અને સરકારે “સરહદો પરનું નિયંત્રણ ગુમાવ્યું છે” એમ કહે છે. તેઓ ખાતરી સાથે કહે છે કે બિલને સફળતા નહિં મળે.
આ યોજના હેઠળ યુકે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને રવાંડામાં દેશનિકાલ કરવાની ઇચ્છા ધરાવે છે ત્યાં જ તેમના એસાયલમના દાવાઓ પ્રોસેસ કરાશે. આ યોજના ગેરકાયદેસર રીતે યુકે આવનારા લોકોને અટકાવશે અને તેમના દાણચોરો માટે અવરોધક તરીકે કામ કરશે.
યુગોવના તાજેતરના ડેટા દર્શાવે છે કે 18 ટકા લોકો માને છે કે સર કેર સ્ટાર્મરની લેબર પાર્ટી આગામી ચૂંટણીમાં લેન્ડસ્લાઇડ વિજય મેળવશે. જેની સરખામણીમાં માત્ર 8 ટકા લોકો માને છે કે ટોરીઝ સત્તા જાળવી રાખશે.