રશિયાના ટોચના સુરક્ષા અધિકારીએ ગુરુવારે પરમાણુ યુદ્ધના વધતા ખતરાની ચેતવણી ઉચ્ચારી હતી અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને ધરપકડની ધમકી આપવા બદલ જર્મન પ્રધાને પર પ્રહારો કરતા વળતી ધમકી આપી હતી કે આવી કાર્યવાહી યુદ્ધની ઘોષણા સમાન હશે અને જર્મની પર રશિયના હુમલાનું કારણ બનશે.
પુતિનના વડપણ હેઠળની રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી સેક્રેટરી દિમિત્રી મેદવેદેવે વીડિયો ટીપ્પણીમાં જણાવ્યું હતું કે પશ્ચિમી દેશો સાથેના રશિયાના સંબંધો અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાં પહોંચ્યા છે.
અણુ યુદ્ધનો ખતરો ઘટ્યો છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું ના, તે ઘટ્યો નથી, પરંતુ વધ્યો છે. તેઓ દરરોજ યુક્રેનને વિદેશી શસ્ત્રો આપે છે, ત્યારે પરમાણુ મહાવિનાશ નજીક આવે છે. મેદવેદેવે ભૂતકાળમાં પણ આવા આકરા નિવેદનોનો જારી કર્યા છે તથા અમેરિકા અને તેના નાટો સાથીઓ દેશોની ઝાટકણી કાઢેલી છે. ગુરુવારની ટીપ્પણીમાં મેદવેદેવે યુક્રેનમાંથી હજારો બાળકોના અપહરણમાં કથિત સંડોવણીના આરોપમાં પુતિન માટે ધરપકડ વોરંટ જારી કરવાના આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના નિર્ણયને કાનૂની રીતે રદબાતલ ગણાવ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે આ પગલાથી રશિયા અને પશ્ચિમ વચ્ચેના પહેલાથી જ કડવાશભર્યા સંબંધોમાંમાં પ્રચંડ નકારાત્મક સંભાવના ઉમેરાઈ છે.
મેદવેદેવે ખાસ કરીને જર્મનીના ન્યાય પ્રધાન માર્કો બુશમેન પર હુમલો કર્યો હતા. જર્મન પ્રધાને ગયા અઠવાડિયે કહ્યું હતું કે જો પુતિન જર્મનીની મુલાકાત લેશે તો ICCના વોરંટ પર તેમની ધરપકડ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે પરમાણુ તાકાત ધરાવતા નેતા જર્મનીના પ્રદેશની મુલાકાત લે અને તેમની ધરપકડ કરવામાં આવે તો તે રશિયા સામે યુદ્ધની ઘોષણા સમાન હશે. આવા કિસ્સામાં અમારા વિમાનો ચાન્સેલર ઓફિસ બુન્ડસ્ટેગ પર હુમલા કરશે. યુક્રેન સામેની યુદ્ધ વચ્ચે પરમાણુ શસ્ત્રો રશિયાના મજબૂત રક્ષકો બન્યા છે. જો રશિયા પાસે પરમાણુ શસ્ત્રો ન હોત તો તેના ટુકડા થઈ ગયા હોત.