યુરોપિયન યુનિયને રશિયામાંથી કોલસાની આયાત પર પ્રતિબંધ મૂકવાની મંગળવારે દરખાસ્ત કરી છે. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી પ્રથમ વાર યુરોપે રશિયાના આકર્ષક એનર્જી ક્ષેત્ર પર પ્રતિબંધની હિલચાલ કરી છે. યુરોપે રશિયાની બીજા ક્રમની સૌથી મોટી બેન્ક VTB સહિત વધુ ચાર બેન્કો પર પ્રતિબંધની દરખાસ્ત પણ કરી છે. આ ઉપરાંત રશિયાના જહાજો અને વ્યક્તિઓ પર પણ પાબંધીની હિલચાલ છે.
યુરોપિયન કમિશનને પ્રેસિડન્ટ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેનના લોકો પર ગુજારેલા અમાનવીય ગુના બાદ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન પર યુરોપે દબાણમાં વધારો કરવાની જરૂર છે. રશિયાના લશ્કરી દળોએ યુક્રેનના નાગરિકોને ઇરાદાપૂર્વક મારી નાંખ્યા હોવાના પણ પુરાવા મળ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે કોલસાની આયાત પર પ્રતિબંધથી રશિયાને વાર્ષિક 4.4 અબજ ડોલરનો ફટકો પડશે. યુરોપિયન યુનિયને ક્રૂડ ઓઇલની આયાત સહિતના વધારાના પ્રતિબંધો માટે કામગીરી ચાલુ કરી દીધી છે. જોકે તેમણે નેચરલ ગેસનો ઉલ્લેખ કર્યો ન હતો, કારણ કે યુરોપના દેશો નેચરલ ગેસ માટે રશિયા પર મોટો આધાર રાખે છે. યુરોપ રશિયામાંથી આશરે 40 ટકા નેચરલ ગેસની આયાત કરે છે. તેથી તેના પ્રતિબંધ મૂકવાની સર્વસંમતી સાધવાનું મુશ્કેલ છે.