રશિયાએ યુક્રેન પર શુક્રવારે સતત બીજા દિવસે હુમલા ચાલુ રાખ્યા હતા. રશિયાએ દાવો કર્યો હતો કે તેને પ્રથમ દિવસે તેના તમામ હેતુઓ હાંસલ કર્યા હતા અને 83 ટાર્ગેટનો નાશ કર્યો છે. યુદ્ધ ચાલુ થયા બાદ રશિયાએ યુક્રેન પર 203 હુમલા કર્યા છે. યુક્રેનના પ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર રશિયાના હુમલામાં સામાન્ય નાગરિકો સહિત અત્યારસુધી 137 લોકોના મોત થયા છે. રશિયાએ મિસાઈલો દ્વારા કીવ પર અટેક કરતાં હવાઈ હુમલાનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
રશિયાએ ગુરુવારે ત્રણેય દિશામાંથી યુક્રેન પર હુમલા કર્યા હતા. આ હુમલાને બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં સૌથી મોટો હુમલો માનવામાં આવે છે.રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણના બીજા દિવસે લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલ અટેક કરવામાં આવી રહ્યો છે, જેમાં જાનહાનીના પણ અહેવાલ છે. યુક્રેનના પ્રમુખે આજે જણાવ્યું હતું કે રશિયાએ તેમને ટાર્ગેટ નંબર-1 બનાવ્યા છે, અને તેમનો પરિવાર બીજો ટાર્ગેટ છે. જોકે, તેઓ ગમે તે સંજોગોમાં રાજધાની કીવ નહીં છોડે અને તેમનો પરિવાર પણ યુક્રેનમાં જ છે. ક્રેનની રાજધાની કીવ સહિત ઘણા શહેરોમાં હાલ કરફ્યૂ નાખી દેવામાં આવ્યો છે અને લોકોને ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરાઈ છે.
યુક્રેનમાં વણસતી જતી સ્થિતિમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ પણ ફસાયા છે, જેમાંથી ઘણાને બોમ્બ શેલ્ટરમાં શિફ્ટ કરાયા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ગમે તેમ કરી પોતાને અહીંથી કાઢવા માટે અપીલ કરતા વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. કેટલાકનું એવું પણ કહેવું છે કે તેમના ઘરમાં જમવાનું ખૂટી પડ્યું છે અને તેમને હવે શું કરવું તેની કંઈ ખબર નથી. રાજધાની કીવમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી હોવાના વિડીયો પણ ટીવી ચેનલ્સમાં બતાવાઈ રહ્યા છે.શુક્રવારે સવારે યુક્રેનની રાજધાની કીવમાં બે શક્તિશાળી વિસ્ફોટો સાંભળવા મળ્યા હતા. યુક્રેનના પ્રમુખે કરેલા એક સંબોધનમાં રશિયન આર્મી કીવની આસપાસના વિસ્તારોમાં પ્રવેશી ગઈ હોવાનો તેમણે દાવો કર્યો છે, અને 90 કલાકમાં રશિયા કીવ પર કબજો કરી લેશે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. યુક્રેનની આર્મીએ પણ જણાવ્યું છે કે રશિયન સૈનિકો નાગરિકો પર ફાયરિંગ કરી રહ્યા છે. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે રશિયાના બે એરક્રાફ્ટ તોડી પાડ્યાનો પણ દાવો કરાયો છે. કીવથી દૂર આવેલા ચેર્નોલેબીલ પ્લાન્ટ પર પણ રશિયન સૈનિકોએ કબજો જમાવી લીધો છે.
યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ હુમલા સાથે રશિયાના લશ્કરી દળો આગળ વધી રહ્યાં છે. યુક્રેનના પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે રશિયાને રોકવા માટે હજુ વધુ પગલાં લેવાની જરૂર છે. નાટો અને સહયોગી દેશોએ મૂકેલા પ્રતિબંધ પૂરતા નથી.યુક્રેનને ડિફેન્સ અધિકારીએ જણાવ્યું હતું કે યુક્રેનની આર્મી ચાર મોરચે બચાવ કરી રહી હોવા છતાં રશિયાના લશ્કરી દળો શુક્રવાર સાંજ સુધી રાજધાની કીવના બહારના વિસ્તારોમાં પ્રવેશ કરી શકે છે.