અમેરિકાના વિદેશ પ્રધાન ટોની બ્લિન્કને મંગલવારે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવ સાથે આ સપ્તાહે નિર્ધારિત બેઠકને રદ કરી દીધી હતી અને જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના આક્રમણનો પ્રારંભ થઈ ગયો છે.
બ્લિકને જણાવ્યું હતું કે યુક્રેન સામે રશિયાનું આક્રમણ ચાલુ થઈ ગયું છે. તેનાથી આ સપ્તાહે રશિયાના વિદેશ પ્રધાન સાથે બેઠક કરવાનો કોઇ અર્થ રહેતો નથી, કારણ કે રશિયાએ આક્રમણ કરીને મંત્રણાની ઓફર ફગાવી દીધી છે. બંને નેતાઓ વચ્ચે 24 ફેબ્રુઆરીએ યુરોપમાં બેઠક થવાની હતી. બ્લિકને આક્ષેપ કર્યો હતો કે રશિયાના પ્રેસિડન્ટ પુતિને યુક્રેન પર આક્રમણ કરવાનો, યુક્રેન અને તેના લોકો પર અંકુશ મેળવવાનો અને યુક્રેનની લોકશાહીને ખતમ કરવાની યોજના બનાવી છે. તેથી બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપની સુરક્ષા સામે સૌથી મોટું જોખમ ઊભું થયું છે. યુક્રેન ખતરામાં છે.
અમેરિકા બાલ્ટિક દેશોમાં વધારાના લશ્કરી દળો મોકલશે
બાઇડને જણાવ્યું હતું કે તેઓ બાલ્ટિક દેશોમાં અમેરિકાના વધારાના લશ્કરી દળો મોકલશે. જોકે આ હિલચાલને સંપૂર્ણપણે ડિફેન્સિવ ગણાવીને બાઇડને જણાવ્યું હતું કે અમે રશિયા સામે લડાઇનો ઇરાદો ધરાવતા નથી. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા યુરોપના બીજા સ્થળો પરથી બાલ્ટિક અને નાટોના પૂર્વ ભાગમાં આશરે 800 ઇન્ફેન્ટ્રી ટ્રુપ અને 40 યુદ્ધવિમાનો મોકલશે.