યુક્રેન પરના આક્રમણને પગલે યુરોપિયન યુનિયનને રશિયાના વિમાનો માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને રવિવારે જાહેરાત કરી હતી કે અમે રશિયાની માલિકીની, રશિયામાં રજિસ્ટ્રર્ડ અથવા રશિયાના લોકો દ્વારા અંકુશ ધરાવતા વિમાનો માટે યુરોપિયન યુનિયનની એરસ્પેસ બંધ કરી રહ્યાં છીએ. ધનિકોના પ્રાઇવેટ જેટ સહિતના આવા તમામ વિમાનો યુરોપના કોઇપણ દેશમાં ઉતરાણ કરી શકશે નહીં, ઉડાન ભરી શકશે નહીં કે તેના પરથી ઉડ્ડયન કરી શકશે નહીં.
યુકેએ પણ રશિયાના વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરી છે. રશિયાની સૌથી મોટી એરલાઇન એરોફ્લોટે જણાવ્યું હતું કે તે વધુ નોટિસ ન મળે ત્યાં સુધી યુરોપની તમામ ફ્લાઇટ કેન્સલ કરશે. યુરોપિયન કમિશનના પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન રશિયા સરકાર સંચાલિત ન્યૂઝ આઉટલેટ સ્પુતનિક અને રશિયા ટુડે સામે પર પ્રતિબંધ મૂકશે.
અગાઉ રશિયાએ લાટવિયા, એસ્ટોનિયા, લુથિયાનિયા અને સ્લોવેનિયાના વિમાનો માટે પોતાની હવાઇપટ્ટી બંધ કરી છે. આ દેશો માટે માટેની ટ્રાન્ઝિટ ફ્લાઇટને પણ રશિયા છૂટ નહીં આપે. રવિવારે આ અંગેની જાહેરાત કરતા દેશની હવાઇ પરિવહન એજન્સીએ જણાવ્યું હતું કે આ દેશોની એવિયેશન ઓથોરિટીના મિત્રતાવિહોણા નિર્ણયોને કારણે રશિયાની એરસ્પેસમાંથી ટ્રાન્ઝિટ ફ્લાઇટ સહિતના આ દેશોના વિમાનો પણ નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. આ ચાર દેશોએ અગાઉ રશિયાની એરલાઇન્સે પર પ્રતિબંધો મૂક્યા હતા. યુકે, બલ્ગારિયા, પોલેન્ડ સહિતના યુરોપના કેટલાંક દેશોએ પણ રશિયા માટે તેમના એરસ્પેસને બંધ કરેલો છે.