(Photo by AFP) (Photo by -/AFP via Getty Images)

રશિયા અને ક્રિમીયાને જોડતા એક મહત્ત્વના બ્રિજ પર હુમલો કરવા આવી રહેલા યુક્રેનના ત્રણ નેવલ ડ્રોનને રશિયાએ તોડી પાડ્યા હતા. ક્રિમિયામાં લશ્કરી અને બીજા નાગરિક સપ્લાય માટે મહત્ત્વના આ બ્રિજને હુમલાને કારણે એક વર્ષમાં ત્રીજા વખત હંગામી ધોરણે બંધ કરવો પડ્યો હતો. અગાઉ યુક્રેને બે વખત આ બ્રિજને તોડી પાડીને રશિયાની સપ્લાય લાઇન ખોરવી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર એક નેવલ ડ્રોનને શુક્રવારે મોડી રાત્રે અને બીજા બે નેવલ ડ્રોનને શનિવારે વહેલી સવારે તોડી પાડવામાં આવ્યા હતા. આ મુદ્દે યુક્રેનના અધિકારીઓએ તાત્કાલિક કોઇ ટીપ્પણી કરી ન હતી.

યુક્રેન સામેના યુદ્ધમાં લશ્કરી દળોને સપ્લાય પૂરો પાડવા માટે કેર્ચ બ્રિજ ચાવીરૂપ છે. રશિયાએ યુક્રેન સામે યુદ્ધ જાહેર કર્યું ત્યારે આ બ્રિજ પર વારંવાર હુમલા કરવાના પ્રયાસ થયા છે. અગાઉ ઓક્ટોબરમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. ટ્રક બોંબથી થયેલા આ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત જુલાઇમાં બ્રિજ પર વધુ એક હુમલો થયો હતો. તેમાં એક દંપતીનુ મોત થયું હતું અને તેમની પુત્રીને ગંભીર ઇજા થઈ હતી.

ક્રિમીયા અને રશિયાને જોડતો આ પુલ મોસ્કો માટે લોજિસ્ટિક અને મનોવૈજ્ઞાનિક બંને રીતે મહત્ત્વનો છે. આ બ્રિજથી લશ્કરી અને નાગરિક સપ્લાય પૂરો પાડવામાં આવે છે. રશિયાએ 2014માં ક્રિમીયાને અલગ કરીને તેને પોતાનામાં ભેળવી દીધું હતું.

બેલ્ગોરોડના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોવે જણાવ્યું હતું કે, શનિવારે બપોરે યુક્રેનની સરહદે આવેલા રશિયાના બેલ્ગોરોડ પ્રદેશમાં ગોળીબાર દરમિયાન એક નાગરિકનું મૃત્યુ થયું હતું અને બે ઘાયલ થયાં હતાં. યુક્રેનને બે ડ્રોને આ પ્રદેશના વેલ્યુસ્કી જિલ્લામાં હુમલો કર્યો હતો. તેમાં  એક ઘર અને કારને નજીવું નુકસાન થયું હતું. આ પ્રાંતના ગ્રેવોરોન્સ્કી જિલ્લામાં અન્ય એક ડ્રોનને રશિયાની એર ડિફેન્સે આંતર્યું હતું.

યુક્રેનની સરહદે પર આવેલા કુર્સ્ક પ્રદેશના એક ગામ પર ગોળીબાર દરમિયાન શનિવારે એક મહિલા પણ ઘાયલ થઈ હતી. પ્રાદેશિક ગવર્નરે આ તોપમારા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું હતું.

 

LEAVE A REPLY