અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને ચેતવણી આપી હતી કે યુક્રેનના અનાજની નિકાસ માટે યુએનની મધ્યસ્થી સાથે કરવામાં આવેલી સમજૂતી રશિયાએ સ્થગિત કરતા વૈશ્વિક ભૂખમરો વધી શકે છે. રશિયાના આ પગલાની આંતરરાષ્ટ્રીય નિંદા થઈ રહી છે. યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના વડા જોસેપ બોરેલે રવિવારે એક ટ્વિટમાં રશિયાને તેનો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી હતી.
ડેલવેરના વિલ્મિંગ્ટનમાં શનિવારે બાઇડને જણાવ્યું હતું કે “તે ખરેખર ક્રૂર છે. તેઓ જે કરી રહ્યા છે તેનું કોઇ યોગ્ય કારણ નથી. યુએનએ તે સોદા પર વાટાઘાટો કરી હતી અને તેનો અમલ થવો જોઈએ.” રશિયાએ કરારમાં ભાગીદારી અટકાવવાની જાહેરાત કર્યાના કલાકો પછી બાઇડનને આ ટીપ્પણી કરી હતી. રશિયાએ આક્ષેપ કર્યો હતો કે યુક્રેને તેના કબજા હેઠળના ક્રિમીયામાં કાળા સમુદ્ર પરના જહાજો પર શનિવારે ડ્રોન હુમલો કર્યો હતો. યુક્રેને હુમલાને નકારી કાઢ્યો હતો.
યુક્રેન વિશ્વના દેશોમાં અનાજની નિકાસ કરી શકે તે માટે ચાલુ વર્ષના જુલાઈમાં આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી હેઠળ 397 જહાજોમાં 90 લાખ ટનથી વધુ અનાજને સુરક્ષિત રીતે યુક્રેનિયન બંદરો છોડવાની મંજૂરી આપવામાં આવી હતી. નવેમ્બરના અંત ભાગમાં આ સમજૂતીને રિન્યૂ કરાઈ હતી. આ અનાજ કરારથી વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવને નીચે લાવવામાં મદદ મળી હતી. અનાજના ભાવ માર્ચની ટોચની સપાટીથી આશરે 15 ટકા ઘટી ગયા હતા.
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયાના આ નિર્ણયને ધારણા મુજબનો ગણાવીને જણાવ્યું હતું કે રશિયા સપ્ટેમ્બરથી જાણીજોઈને ખાદ્ય સંકટને વધારી રહ્યું છે. હાલમાં અનાજથી ભરેલા આશરે 176 જહાજોને યુક્રેનના બંદરો પરથી સફર કરતા અટકાવવામાં આવ્યા છે. તેમણે શનિવારે રાષ્ટ્રને તેમના રાત્રિના સંબોધનમાં કહ્યું હતું કે “આ 70 લાખથી વધુ ગ્રાહકો માટે અનાજ છે.. ક્રેમલિનમાં કેટલાક મુઠ્ઠીભર લોકો કેવી રીતે નક્કી કરી શકે છે કે ઇજિપ્ત અથવા બાંગ્લાદેશમાં લોકોની થાળીમાં પર અનાજ હશે કે નહીં?”