પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વૈશ્વિક સપ્લાય તંગ બનતા રશિયાની કંપનીઓએ ડિ-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) જેવા ખાતર ભારતને ડિસ્કાઉન્ટે આપવાનું બંધ કરી દીધું છે, એમ ભારતીય આયાતકારોને ટાંકીને મીડિયા અહેવાલમાં 12 સપ્ટેમ્બરે જણાવાયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે રશિયા ગયા વર્ષે ફર્ટિલાઇઝર્સનો સૌથી મોટો સપ્લાય દેશ બન્યો હતો.

રશિયાની કંપનીઓ હવે બજાર ભાવે ફર્ટિલાઇઝર્સ ઓફર કરી રહી છે. તેનાથી ભારતના આયાત ખર્ચમાં વધારો થશે અને સરકારના સબસિડી બોજમાં વધારો થશે. વિશ્વના અગ્રણી નિકાસકાર ચીનને તેના સપ્લાયમાં કાપ મૂક્યા પછી ફર્ટિલાઇઝર્સના વૈશ્વિક ભાવો પણ વધ્યાં છે.

યુક્રેન યુદ્ધને કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા હતા. આ પ્રતિબંધોને કારણે અર્થતંત્રને મોટો ફટકો પડવાની આશંકા વચ્ચે રશિયાએ ભારત, ચીન સહિતના મિત્ર દેશોને સસ્તા દરે ક્રૂડ ઓઈલ, ખાતર અને અમુક કૃષિ પેદાશો ઓફર કર્યા હતા. જોકે આ સસ્તાના દિવસો સમાપ્ત થઈ રહ્યાં હોવાના સંકેત મળી રહ્યાં છે.

અગાઉ રશિયાએ ક્રૂડ ઓઇલના ડિસ્કાઉન્ટમાં ઘટાડો કર્યો હતો. તેનાથી ભારતે રશિયાને સ્થાને અન્ય પરંપરાગત દેશો પાસેથી ક્રૂડ મંગાવવાનું શરૂ કર્યું છે. રોઇટર્સે મુંબઈ સ્થિત ખાતર કંપનીના અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવ્યું કે છેલ્લા બે મહિનામાં વૈશ્વિક ખાતરની કિંમતો વધી રહી છે, જેના કારણે ભારતીય કંપનીઓ માટે ઘઉંના ઉત્પાદનની આગામી શિયાળાની સીઝન માટે સ્ટોક એકઠો કરવો પડકારજનક છે. પાક માટે ડીએપીની માંગ વધી છે. તેમણે કહ્યું કે જુલાઈમાં વૈશ્વિક સપ્લાયર્સ સીએફઆર (કોસ્ટ બેઝિસ) લગભગ ૩૦૦ ડોલર પ્રતિ ટનના ભાવે યુરિયા ઓફર કરી રહ્યાં હતા, પરંતુ હવે તેઓ ૪૦૦ ડોલર પ્રતિ ટનના ભાવ ઓફર કરી રહ્યા છે.

વિદેશી સપ્લાયરો સાથેની વાટાઘાટોમાં સામેલ નવી દિલ્હી સ્થિત એક વરિષ્ઠ અધિકારીએ રોઇટર્સને જણાવ્યું કે રશિયા દ્વારા હવે કોઈ છૂટછાટ ઓફર નથી થઈ રહી. રશિયન કંપનીઓ બજાર ભાવે ખાતર ઓફર કરી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રશિયામાંથી ભારતની ખાતરની આયાત ૨૪૬ ટકા વધીને વિક્રમી ૪.૩૫ મિલિયન મેટ્રિક ટન થઈ હતી

 

LEAVE A REPLY