યુક્રેનના અલગતાવાદી બે વિસ્તારોને સ્વતંત્ર દેશનો દરજ્જો આપીને આ વિસ્તારોમાં શાંતિ સેનાના નામે લશ્કરી દળો ઘૂસડવાના રશિયાના પગલાંને અમેરિકાની આગેવાની હેઠળના પશ્ચિમ દેશોએ યુક્રેન પરનું આક્રમણ ગણ્યું છે. રશિયાના આ આક્રમણની આકરી નિંદા કરીને અમેરિકા, યુરોપ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન સહિતના દેશોએ રશિયા સામે આકરા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી છે. આમ યુક્રેનની કટોકટી હવે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સંઘર્ષમાં તબદિલ થઈ છે.
રશિયાની સંસદે દેશની બહાર લશ્કરી દળોનો ઉપયોગ કરીને પ્રેસિડન્ટ પુતિનને સત્તા આપી છે. અમેરિકા અને યુરોપે રશિયાના ધનિકો અને બે બેન્કો પર પ્રતિબંધ લાદ્યા છે. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને રશિયાના પ્રેસિડન્ટ પુતિન આગામી સમયમાં મોટા સંઘર્ષના સ્પષ્ટ સંકેત આપ્યા છે. બાઇડને રશિયા પર નિકાસ પ્રતિબંધ જેવા વધુ આકરા પગલાં લેવાની પણ ચીમકી આપી હતી.
અમેરિકાએ રશિયાની આશરે 80 અબજ ડોલરની એસેટ ધરાવતી બે મોટી બેન્કો પર પ્રતિબંધ મૂક્યા છે. આ બેન્કો અમેરિકા અને યુરોપના બજારોમાંથી ઋણ લઈ શકશે નહીં. તેનાથી રશિયા માટે પશ્ચિમ દેશોનું ફાઇનાન્સ અટકી જશે. આ બંને બેન્કો ક્રેમલિન અને રશિયાની મિલિટરી માટે મહત્ત્વની ગણાય છે. અમેરિકાના અધિકારક્ષેત્રમાં આવેલી આ બેન્કોની તમામ એસેટ સ્થગિત કરવામાં આવશે. જોકે અમેરિકાએ વિચારણા કરી હતી તેવા રશિયા પર નિકાસ પ્રતિબંધ જેવા વ્યાપક અને સૌથી આકરા પગલાં બાઇડને લીધા નથી.
રશિયાના આક્રમણ વલણ સામે પશ્ચિમી દેશો એકજૂથ થયા છે. યુરોપના 24થી વધુ દેશોએ રશિયાના અધિકારીઓ સામે પ્રતિબંધ મૂકવાની સંમતી આપી હતી. જર્મનીએ જણાવ્યું હતું કે તે નોર્ડ સ્ટ્રીમ-2 ગેસ પાઇપલાઇનને અટકાવી દેશે. તેનાથી રશિયાને મોટો ફટકો પડવાની ધારણા છે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું હતું કે બ્રિટન રશિયાની પાંચ બેન્કો અને ત્રણ ધનિકો પર પ્રતિબંધ મૂકશે. તેમણે ચેતવણી આપી હતી કે જો સંપૂર્ણકક્ષાનું યુદ્ધ થશે તો વધુ શક્તિશાળી પ્રતિબંધો મૂકવામાં આવશે. રશિયા સામે પ્રતિબંધોની જાહેરાત કરતા જાપાના વડાપ્રધાન ફુમિયો કિશિડાએ જણાવ્યું હતું કે તેમની સરકાર જાપમાં રશિયન સરકારની બોન્ડના ઇશ્યૂ પર પ્રતિબંધ મૂકશે. જાપાન યુક્રેનના બે અલગતાવાદી વિસ્તારોના લોકોને વિઝા નહીં આપે અને જાપાન તેમની સંપત્તિ સ્થગિત કરવામાં આવશે. આ બંને વિસ્તારો સાથે જાપાનને વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ રશિયા પર આર્થિક અને ટ્રાવેલ પ્રતિબંધો મૂક્યા છે.