છેલ્લાં 10 મહિનાથી યુક્રેનમાં ખુંખાર યુદ્ધ લડી રહેલા રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને રવિવાર 25 નવેમ્બરે જણાવ્યું છે કે રશિયા યુક્રેનના યુદ્ધમાં સામેલ તમામ પક્ષકારો સાથે વાટાઘાટો કરવા તૈયાર છે, પરંતુ કિવ અને તેના પશ્ચિમી સમર્થકોએ વાતચીતમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે.
પુતિનના પ્રથમ વખતના આવા સમાનધાકારી નિવેદનથી છેલ્લાં 10 મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો નજીકના ભવિષ્યમાં અંત આવી તેવી શક્યતામાં વધારો થયો છે.રશિયાએ તેના પડોશી દેશ યુક્રેન સામે 24 ફેબ્રુઆરીએ યુદ્ધ છેડ્યું હતું. તેનાથી યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી ઘાતક સંઘર્ષ ચાલુ થયો હતો. યુક્રેન યુદ્ધથી 1962 ક્યુબાની મિસાઇલ કટોકટી પછી મોસ્કો અને પશ્ચિમ દેશો વચ્ચેનો સૌથી મોટો મુકાબલો પણ શરૂ થયો છે.જોકે હવે યુદ્ધનો નજીકના ભવિષ્યમાં અંત આવે તેવી શક્યતા ઊભી થઈ છે.
ક્રેમલિન જણાવે છે કે જ્યાં સુધી તેના તમામ લક્ષ્યાંક સિદ્ધ ન થાય ત્યાં સુધી તે લડાઈ ચાલુ રાખશે. બીજી તરફ કિવ કહે છે કે જ્યાં સુધી દરેક રશિયન સૈનિકને ક્રિમિયા સહિતના તેના તમામ પ્રદેશોમાંથી બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી તે યુદ્ધ ચાલુ રાખશે. જેમાં ક્રિમીયાનો સમાવેશ થાય છે. રશિયાએ 2014માં ક્રિમિયાને તેની સાથે ભેળવી દેવાની જાહેરાત કરી હતી.
રોશિયા-1 નામની સરકારી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પુતિને જણાવ્યું હતું કે “અમે સ્વીકાર્ય ઉકેલો વિશે સામેલ દરેક પક્ષકારો સાથે વાટાઘાટો કરવા તૈયાર છીએ, પરંતુ તે તેમના પર આધાર રાખે છે – અમે વાટાઘાટો કરવાનો ઇનકાર કરતાં નથી, તેઓ મંત્રણાનો ઇનકાર કરે છે. પુતિનનું આ ઇન્ટરવ્યૂ 25 ડિસેમ્બરે રશિયાની ટીવી ચેનલમાં પ્રસારિત થયું હતું.
પુતિને રશિયાને વિશ્વમાં એકલું પાડી દેવાના પ્રયાસ કરવા બદલ પશ્ચિમના દેશો પર આકરા હુમલા પણ કર્યા હતા.
પુતિને જણાવ્યું હતું કે આ યુદ્ધનું મૂળ રશિયાને, ઐતિહાસિક રશિયાને વેરવિખેર કરવાની અમારા વિરોધી દેશોની નીતિઓ છે. આ વિરોધી દેશો હંમેશા ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવે છે. અમારો હેતુ બીજો છે. અમારો ઉદ્દેશ રશિયાના લોકોને એકજૂથ કરવાનો છે.
“ઐતિહાસિક રશિયા”ના ખ્યાલનો ઉપયોગ કરીને પુતિને દલીલ કરી છે કે યુક્રેન અને રશિયાના લોકો એક જ છે. આ રીતે તેમણે યુક્રેનના સાર્વભૌમત્વની પણ અવગણના કરી હતી અને અને યુક્રેનમાં તેમના 10-મહિનાના આક્રમણને યોગ્ય ઠેરવ્યું હતું.
પુતિને જણાવ્યું હતું કે અમે યોગ્ય દિશામાં કામગીરી કરી રહ્યાં છીએ. અમે અમારા રાષ્ટ્રીય હિતો, અમારા નાગરિકો અને લોકોના હિતોનું રક્ષણ કરી રહ્યાં છીએ.
ફેબ્રુઆરીમાં આક્રમણ શરૂ થયા પછી યુક્રેનની બહારની તેમની પ્રથમ વિદેશ મુલાકાતમાં યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ તાજેતરમાં અમેરિકાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનનું મજબૂત સમર્થન મેળવ્યું હતું. અમેરિકાએ યુક્રેનને સૌથી વધુ અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ પૂરી પાડવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અમેરિકાએ યુક્રેનને પેટ્રિઓટ મિસાઇલ સિસ્ટમ આપવાનું વચન આપ્યું છે. જોકે આ મિસાઇલનો ઉલ્લેખ કરતાં પુતિને જણાવ્યું હતું હતું કે “અલબત્ત અમે તેનો નાશ કરીશું, 100 ટકા!”