યુક્રેનને સમર્થન આપવા બાદ રશિયાએ નાટોના સભ્ય દેશો પોલેન્ડ અને બલ્ગેરિયા માટે નેચરલ ગેસનો સપ્લાય બંધ કરી દીધો છે અને બીજા દેશોમાં પણ સપ્લાય બંધ કરવાની ચીમકી આપી છે. અમેરિકા અને બીજા પશ્ચિમી દેશો દેશોએ યુક્રેનને વધુ અને ભારે શસ્ત્રો ઝડપથી આપવાની જાહેરાત કર્યા બાદ રશિયાએ આ વળતો પ્રહાર કર્યો છે. આ ન્યૂઝને પગલે યુરોપમાં ગેસના ભાવમાં ઉછાળો આવ્યો હતો.
રશિયાની આ વ્યૂહાત્મક હિલચાલનો હેતુ યુરોપના દેશોને ટાર્ગેટ કરવાનો છે અને વધતાં જતાં ભાવથી મુશ્કેલીમાં મૂકાયેલા યુરોપના અર્થતંત્રોને ફટકો મારવાનો છે. જોકે આની સાથે રશિયાને પણ આવક બંધ થશે.
પશ્ચિમના દેશો પોલેન્ડ મારફત યુક્રેનને શસ્ત્ર સહાય પૂરી પાડી રહ્યાં છે અને આ સપ્તાહે પુષ્ટી આપી હતી કે તે યુક્રેનને ટેન્કો મોકલશે. બલ્ગેરિયાએ મોસ્કો સાથેના જૂના સંબંધો તોડી નાંખ્યા છે અને રશિયા સામેના પશ્ચિમ દેશોના પ્રતિબંધોને સમર્થન આપ્યું છે. બલ્ગેરિયાના કાળા સમુદ્રના કાંઠે નાટો નવા કેન્દ્ર પર પશ્ચિમ દેશોએ ફાઇટર જેટ પણ ઉતર્યા હતા. ગેસનો સપ્લાય બંધ થવાથી બંને દેશોમાં તાકીદે ગંભીર સ્થિતિ ઊભી ન થાય તેવી શક્યતા છે, પરંતુ જો આવું લાંબા સમય સુધી ચાલુ રહેશે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.