રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારના રોજ જાહેરાત કરતા કહ્યું કે રશિયાએ જીવલેણ કોરોના વાયરસની પહેલી રસી બનાવી દીધી છે. આ રસીથી કોરોના વાયરસને ડામવા માટે સ્થિર ઈમ્યૂનિટી વિકસિત કરી શકાશે. એક વીડિયો કોન્ફરન્સમાં રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે દુનિયામાં સૌપ્રથમ વખત કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં આવી છે. તેમજ આ રસીનો પહેલો ડોઝ રાષ્ટ્રપતિની દીકરી પર કરવામાં આવી ચૂક્યો છે.
છેલ્લા કેટલાક મહિનાથી સમગ્ર વિશ્વ આ જીવલેણ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે. આ ખતરનાક વાયરસને ડામવા માટે તેની રસી શોધવી અત્યંત જરૂરી હતું. વિશ્વના મોટા ભાગના દેશો આ વાયરસની રસી શોધવામાં લાગી ગયા હતા. જોકે, કેટલાક દેશો દાવો પણ કરી ચૂક્યા છે કે તેઓ આગામી થોડા સમયમાં રસી શોધવામાં સફળ રહેશે. ભારત પણ આ વાયરસને નાથવા માટે રસી શોધવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 20074280 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 735674 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 12271724 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 7066882 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.