રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઇલનો સપ્લાય આપવાની ઓફર કરી છે. ભારત સરકાર આ ઓફરનો સ્વીકાર કરવો કે નહીં તેની વિચારણા કરી રહી છે. યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી આયાત પર મદાર રાખતા ભારત જેવા દેશ માટે આ ઓફર આકર્ષક છે, પરંતુ સરકાર તેનો જવાબ નક્કી કરતાં પહેલા તમામ પરિબળોને ધ્યાનમાં રાખવા માગે છે.
સરકારના વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે છેલ્લાં બેથી ત્રણ દિવસથી ઓપન ઓફર છે કે રશિયા ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઇલનો સપ્લાય આપવા તૈયાર છે. પરંતુ તેનો અમલ કેવી રીતે કરવો તે સવાલ છે.રશિયાથી ક્રૂડ ઓઇલ ભારતમાં કેવી રીતે લાવવું તે સહિતના વિવિધ પરિબળોની વિચારણા ચાલે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રશિયાના ક્રૂડ ઓઇલની આયાત કરવા માટે સરકારને કોઇ વાંધો નથી, પરંતુ કેટલીક પડકારોની વિચારણા જરૂર છે.