રશિયાએ ખુંખાર લડાઈ પછી યુક્રેનના શહેર બાખમુત પર કબજો કર્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે યુક્રેનને રશિયાના આ દાવાનું ખંડન કર્યું હતું. યુક્રેનના ડોનેત્સ્ક પ્રાંતમાં આવેલું આ શહેર ઓર્ટીઓમોવસ્ક તરીકે પણ ઓળખાય છે. યુક્રેનની આર્મીએ પણ આ શહેરની સ્થિતિ નાજૂક ગણાવી હતી. બાખમુત ડોનેત્સ્ક શહેરથી લગભગ 66 કિમી ઉત્તરમાં આવેલું એક મહત્વપૂર્ણ પરિવહન હબ છે. આ શહેર છેલ્લાં કેટલાંક મહિલનાઓથી રશિયા અને યુક્રેન વચ્ચે જંગનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.
રશિયાના ખાનગી સૈન્ય જૂથ વેગનરના વડા યેવજેની પ્રિગોઝિને ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરેલા એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે વેગનર 25મેએ આરામ અને ફરીથી તાલીમ માટે તેના યુનિટને પાછા બોલાવશે અને તેના લડવૈયાઓ સંરક્ષણની જરૂરી લાઇન તૈયાર કરશે.
શનિવારે એક નિવેદનમાં આ શહેર પર કબજાને પુષ્ટી આપતા રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે “દક્ષિણ જૂથના લશ્કરી દળોના આર્ટિલરી અને ઉડ્ડયનના સમર્થન સાથે વેગનર હુમલો ટુકડીઓની આક્રમક કાર્યવાહીના પરિણામે, આર્ટીઓમોવસ્ક શહેરને આઝાદ કરવાની કાર્યવાહી પૂરી થઈ છે.
રશિયાના પ્રેસિડન્ટની ઓફિસે જણાવ્યું હતું કે વ્લાદિમીર પુતિને વેગનર હુમલાખોર ટુકડીઓ, તેમજ રશિયન સશસ્ત્ર દળોના એકમોના તમામ સૈનિકોને અભિનંદન આપ્યાં છે. રશિયાના લશ્કરી દળોએ આર્ટિમોવસ્કને મુક્ત કરવા માટેના ઓપરેશનને પૂર્ણ થવા તેમને જરૂરી સમર્થન અને રક્ષણ પૂરું પાડ્યું હતું. આની સાથે યુક્રેનના નાયબ સંરક્ષણ પ્રધાન હેન્ના મલ્યારે એક ટેલિગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે બાખમુતમાં ભારે લડાઈ ચાલી રહી છે. અમારા સૈનિકો ‘લિટક’ વિસ્તારમાં વળતા હુમલા કરી રહ્યાં છે. યુક્રેનના લશ્કરી દળો આ વિસ્તારની કેટલાંક ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પર અંકુશ ધરાવે છે.